GST Council
ભારતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) માં સુધારા અને તર્કસંગત બનાવવાની દિશામાં કામ કરી રહેલા મંત્રીઓના જૂથ (GoM)એ GST કાઉન્સિલને તેનો રિપોર્ટ સબમિટ કરવામાં વિલંબ કર્યો છે. આ રિપોર્ટ 148 વસ્તુઓ પર ટેક્સના દરમાં ફેરફાર સૂચવે છે. બિહારના નાયબ મુખ્યપ્રધાન અને GOMના સંયોજક સમ્રાટ ચૌધરીએ કહ્યું કે હવે કાઉન્સિલની આગામી બેઠકમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે. આ અહેવાલ વિવિધ કાપડ, સાયકલ અને અન્ય વસ્તુઓ પરના GST દરોમાં ફેરફારની દરખાસ્ત કરે છે.
મંત્રીઓના જૂથે વિવિધ વસ્તુઓ પરના ટેક્સના દરોને તર્કસંગત બનાવવા ભલામણો કરી છે. હાનિકારક પીણાં અને તમાકુ ઉત્પાદનો પર ટેક્સ રેટ 28% થી વધારીને 35% કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. તે જ સમયે, વસ્ત્રો પર પ્રસ્તાવિત નવા દરો નીચે મુજબ છે:
- 1,500 રૂપિયા સુધીના કપડા પર 5% GST.
- 1,500 થી 10,000 રૂપિયા સુધીના કપડાં પર 18% GST.
- 10,000 રૂપિયાથી વધુ કિંમતના કપડા પર 28% GST.
સાથે જ રૂ. 15,000થી વધુના જૂતા અને રૂ. 25,000થી વધુની ઘડિયાળ પર ટેક્સનો દર 18 ટકાથી વધારીને 28 ટકા કરવાની ભલામણ કરવામાં આવી છે.
દર ઘટાડવાની દરખાસ્તો
જીઓએમએ આવશ્યક ચીજવસ્તુઓ પર ટેક્સનો બોજ ઘટાડવા માટે ભલામણો પણ આપી છે. પેકેજ્ડ પીવાના પાણી (20 લિટર કે તેથી વધુ) પર GST 18% થી ઘટાડીને 5% કરવાનો પ્રસ્તાવ છે. આ ઉપરાંત, 10,000 રૂપિયાથી ઓછી કિંમતની સાયકલ અને એક્સરસાઇઝ નોટબુક પરનો GST દર 12% થી ઘટાડીને 5% કરવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે.