Cricket news : India vs England Ranchi Test WTC Points Table:ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રથમ બે આવૃત્તિઓની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. પરંતુ બંને વખત તેને હારનો સામનો કરવો પડ્યો હતો. 2021ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ટીમ ઇન્ડિયાને હરાવ્યું હતું. ત્યારબાદ 2023માં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. હવે ટીમ ઈન્ડિયા વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ શાનદાર ફોર્મમાં છે. ભારત આ એડિશનમાં અત્યાર સુધી ત્રણ સિરીઝ રમ્યું છે અને એક પણ હાર્યું નથી. ટીમ ઈન્ડિયાના હાથે વેસ્ટ ઈન્ડિઝનો પરાજય થયો હતો. જે બાદ દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી 1-1થી ડ્રો રહી હતી. હવે ભારતે ઈંગ્લેન્ડ સામે 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. હવે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું ટીમ ઈન્ડિયા WTC ફાઇનલમાં હેટ્રિક કરશે!

વર્તમાન પોઈન્ટ ટેબલની સ્થિતિ શું છે?

જો વર્તમાન પોઈન્ટ ટેબલની વાત કરીએ તો ઈંગ્લેન્ડ સામેની રાંચી ટેસ્ટ જીત્યા બાદ ભારત બીજા સ્થાન પર છે પરંતુ તેની જીતની ટકાવારી 64.58 થઈ ગઈ છે. જ્યારે ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી 8માંથી પાંચ મેચ જીતી છે અને 2માં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમે પણ એક મેચ ડ્રો રમી હતી. તો પ્રથમ સિઝનની ચેમ્પિયન ન્યુઝીલેન્ડની ટીમ ટોપ પર છે. ન્યુઝીલેન્ડની જીતની ટકાવારી 75 છે અને તેણે ચારમાંથી ત્રણ મેચ જીતી છે. તો ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમ 10 મેચમાંથી 6 જીત, 3 હાર અને એક ડ્રો બાદ 55 ટકા જીતની ટકાવારી સાથે ત્રીજા સ્થાને છે. આ સિવાય બાંગ્લાદેશ ચોથા સ્થાને અને પાકિસ્તાન પાંચમા સ્થાને છે.

ફાઈનલમાં ટીમ ઈન્ડિયા કેવી રીતે કરી શકે છે હેટ્રિક?
જો ભારતીય ટીમની વાત કરીએ તો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની વર્તમાન આવૃત્તિમાં લગભગ અડધી મેચ રમી છે. ભારતને હજુ લગભગ 11 મેચ રમવાની બાકી છે. આ શ્રેણીની છેલ્લી મેચ 7 માર્ચથી ધર્મશાલામાં રમાશે. ત્યાર બાદ ટીમ સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ અને ઓક્ટોબરમાં ન્યૂઝીલેન્ડ સામે ત્રણ ટેસ્ટ રમશે. ત્યારબાદ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયા સામે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી શરૂ થશે. ટીમ ઈન્ડિયા ઘરઆંગણે જ બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સામે રમશે. આનો અર્થ એ છે કે આ 5 મેચોમાંથી, ભારત બંને શ્રેણીની ઓછામાં ઓછી 3-4 મેચ જીતી શકે છે. આ સિવાય ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં છેલ્લી બે બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતી ચુકી છે.

એ રીતે જો સિરીઝ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા નંબર 1 અથવા નંબર 2 પર રહીને સરળતાથી ફાઈનલમાં પહોંચી શકે છે. જો કે અન્ય ટીમોના પ્રદર્શન પર પણ નજર રાખવામાં આવશે. ન્યુઝીલેન્ડને ઓસ્ટ્રેલિયા સામે આગામી શ્રેણી રમવાની છે અને ઓસ્ટ્રેલિયા આમાં ફેવરિટ માનવામાં આવે છે. જો ઓસ્ટ્રેલિયા 29 ફેબ્રુઆરીથી શરૂ થનારી આ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ જીતી લે છે અને ટીમ ઈન્ડિયા 7 માર્ચથી શરૂ થઈ રહેલી ધર્મશાલા ટેસ્ટ જીતે છે તો તે નંબર વનનું સ્થાન મેળવી લેશે. આ સ્થિતિમાં કિવી ટીમની જીતની ટકાવારી 60 ટકા હશે.

Share.
Exit mobile version