IND Vs ENG: રવીન્દ્ર જાડેજા ઈજાના કારણે બીજી ટેસ્ટમાં ટીમનો ભાગ નથી. જાડેજાની વાપસી અત્યારે શક્ય જણાતી નથી.
IND Vs ENG: ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી રહી છે. ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા શ્રેણીની બાકીની તમામ 4 મેચમાંથી બહાર થઈ શકે છે. અગાઉ, રવિન્દ્ર જાડેજાની ઈજા અંગે અપડેટ જારી કરતી વખતે, BCCIએ કહ્યું હતું કે સ્ટાર ઓલરાઉન્ડર બીજી ટેસ્ટમાં ટીમનો ભાગ નહીં હોય. રવિન્દ્ર જાડેજા સારી સારવાર કરાવવા બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમી પહોંચી ગયો છે. એનસીએ પાસેથી મળેલી માહિતી મુજબ રવિન્દ્ર જાડેજાની ઈજા ગંભીર છે.
- અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ રવિન્દ્ર જાડેજા માટે આ શ્રેણીમાં પુનરાગમન કરવું ઘણું મુશ્કેલ છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જાડેજાની ઈજા ગંભીર છે અને હાલ તેના રમવાની કોઈ શક્યતા નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “જાડેજા ઘરેલું ટેસ્ટમાં ભારતનો સૌથી મહત્વપૂર્ણ ખેલાડી છે. પરંતુ એ નિશ્ચિત નથી કે તે શ્રેણીની બાકીની મેચોમાં રમશે. જાડેજાની ઈજાને સાજા થવામાં સમય લાગી શકે છે. NCAના તબીબો જાડેજાની ઈજા પર ચાંપતી નજર રાખી રહ્યા છે.
જાડેજા શાનદાર ફોર્મમાં છે
તમને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજા ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે ઈજાગ્રસ્ત થયો હતો. જો કે, આ ટેસ્ટ મેચમાં જાડેજાએ બેટ અને બોલ બંને વડે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જાડેજાએ પ્રથમ દાવમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવ્યા હતા. જાડેજાએ 87 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત જાડેજાએ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં 5-5 વિકેટ પણ લીધી હતી. આમ છતાં ટીમ ઈન્ડિયા પ્રથમ ટેસ્ટમાં હારી ગઈ હતી.
બીસીસીઆઈએ બીજી ટેસ્ટ માટે રવિન્દ્ર જાડેજાના સ્થાનની જાહેરાત કરી છે. વોશિંગ્ટન સુંદર લાંબા સમય બાદ ટીમમાં પરત ફર્યો છે. આ સિવાય સૌરવ કુમારને પણ ઓલરાઉન્ડર તરીકે ટીમ ઈન્ડિયામાં જગ્યા આપવામાં આવી છે.