વર્લ્ડકપ ૨૦૨૩માં રવિવારે (૧૨ નવેમ્બર) નેધરલેન્ડ સામે ટીમ ઈન્ડિયાએ જે રીતે બેટિંગ કરી હતી, તેના કારણે કેટલાય મોટા રેકોર્ડ તૂટી ગયા. નેધરલેન્ડ સામે પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ૪ વિકેટ ગુમાવીને ૪૧૦ રન બનાવ્યા હતા. તમામ ટોપ-૫ બેટ્‌સમેનોએ ટીમ ઇન્ડિયા માટે ૫૦ રનની ઇનિંગ્સ રમી હતી. તેમાંથી ચોથા અને પાંચમા ક્રમના બેટ્‌સમેનોએ સદી પણ ફટકારી હતી. ભારતીય બેટ્‌સમેનોની આ દમદાર ઇનિંગ્સે કયા રેકોર્ડ બનાવ્યા, જુઓ અહીં…

આ વર્ષે ભારતીય ટીમે વન-ડેક્રિકેટમાં ૮ વખત ૩૫૦ સ્કૉર બનાવ્યા છે. એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વખત આ આંકડો પાર કરવાનો રેકોર્ડ હવે ટીમ ઈન્ડિયાના નામે છે. આ પહેલા આ રેકોર્ડ ઈંગ્લેન્ડના નામે હતો. ઈંગ્લેન્ડે વર્ષ ૨૦૧૯માં ૭ વખત ૩૫૦ રન બનાવ્યા હતા. આ ૭મી વખત બન્યુ જ્યારે ટીમ ઈન્ડિયાએ વન-ડેક્રિકેટમાં ૪૦૦ રન બનાવ્યા. આ મામલે ભારતીય ટીમ હવે બીજા સ્થાને છે. અહીં દક્ષિણ આફ્રિકા પ્રથમ સ્થાને છે, જેણે અત્યાર સુધીમાં ૪૦૦ ૮ વખત સ્કૉર કર્યો છે. વન-ડેક્રિકેટમાં આ ત્રીજી વાર બન્યુ છે જ્યારે ટીમના પાંચ બેટ્‌સમેનોએ ૫૦ રનની ઇનિંગ્સ રમી હોય. ઓસ્ટ્રેલિયા આ પહેલા બે વખત આ કારનામું કરી ચૂક્યું છે. ૨૦૧૩માં જયપુર વન-ડેઅને ૨૦૨૦માં સિડની વન-ડેમાં ભારત સામે કાંગારૂ ટીમના ૫-૫ બેટ્‌સમેનોએ ૫૦ રનની ઇનિંગ્સ રમી હતી.
ટીમ ઈન્ડિયાએ આ વર્ષે અત્યાર સુધીમાં ૩૦ વન-ડેમેચ રમી છે અને કુલ ૨૧૫ સિક્સર ફટકારી છે. આ એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વન-ડેસિક્સરનો રેકોર્ડ બની ગયો છે. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝે વર્ષ ૨૦૧૯માં વન-ડેક્રિકેટમાં ૨૦૯ સિક્સર ફટકારી હતી. શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ વચ્ચે ચોથી વિકેટ માટે ૨૦૮ રનની ભાગીદારી થઈ હતી. વર્લ્ડકપમાં ચોથી વિકેટ માટે આ સૌથી મોટી ભાગીદારી બની છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના માઈકલ ક્લાર્ક અને બ્રેડ હોજે ૨૦૦૭માં નેધરલેન્ડ સામે ચોથી વિકેટ માટે ૨૦૪ રન જાેડ્યા હતા.

રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ કપ ૨૦૨૩માં તેની જીતનો સિલસિલો ચાલુ રાખ્યો અને સતત ૯મી જીત મેળવી. ટૂર્નામેન્ટની છેલ્લી લીગ મેચમાં ભારતીય ટીમે નેધરલેન્ડને ૧૬૦ રનથી હરાવ્યું હતું. બેંગલુરુમાં રમાયેલી મેચમાં ભારત તરફથી બોલિંગ કરતા વિરાટ કોહલી અને રોહિત શર્માએ પણ વિકેટ લીધી હતી. ટીમ તરફથી બુમરાહ, સિરાજ, કુલદીપ અને જાડેજાએ ૨-૨ વિકેટ લીધી હતી. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યા બાદ ટીમ ઈન્ડિયાએ ૫૦ ઓવરમાં ૪ વિકેટે ૪૧૦ રન બનાવ્યા હતા. ટીમ માટે શ્રેયસ અય્યરે ૧૨૮ રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સિવાય કેએલ રાહુલે ૧૦૨ રન બનાવ્યા હતા. આ સિવાય શુભમન ગિલ, વિરાટ કોહલી અને કેપ્ટન રોહિતના બેટથી અડધી સદી ફટકારવામાં આવી હતી. ૪૧૧ના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજે નેધરલેન્ડને સારી શરૂઆત કરતા અટકાવ્યું અને બીજી ઓવરમાં વેસ્લી બેરેસી (૦૪)ને આઉટ કર્યો. જાે કે, આ પછી કોલિન એકરમેન અને મેક્સે દાવ સંભાળ્યો અને બીજી વિકેટ માટે ૬૧ રનની ભાગીદારી કરી, જેને કુલદીપ યાદવે ૧૩મી ઓવરમાં કોલિન એકરમેનને આઉટ કરીને તોડી નાખી. એકરમેન ૩૨ બોલમાં ૩૫ રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ ૧૬મી ઓવરમાં ૩૦ રનના અંગત સ્કોર પર જાડેજાએ મેક્સને બોલ્ડ કરીને પેવેલિયન મોકલી દીધો હતો.

આ પછી ૨૫મી ઓવરમાં વિરાટ કોહલીએ ૧૭ રને કેપ્ટન સ્કોટ એડવર્ડ્‌સને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ત્યારબાદ ૩૨મી ઓવરમાં જસપ્રીત બુમરાહે પોતાના સુંદર યોર્કર વડે બાસ ડી લીડે (૧૨)ને બોલ્ડ કર્યો હતો. આ રીતે નેધરલેન્ડે ૫ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારપછી સિરાજે પોતાની અડધી સદી તરફ આગળ વધી રહેલા સાયબ્રાન્ડ એન્ગલબ્રેક્ટને આઉટ કરીને ભારતને છઠ્ઠી સફળતા અપાવી હતી. એન્ગલબ્રેચટે ૪ ચોગ્ગાની મદદથી ૪૫ રનની ઇનિંગ રમી હતી. ત્યારપછી ૪૩મી ઓવરમાં લંગા વાન બીકને કુલદીપ યાદવે ૧૬ રન પર આઉટ કર્યો, રોલોફ વાન ડેર મર્વેને ૪૪મી ઓવરમાં જાડેજાએ આઉટ કર્યો, આર્યન દત્તે ૪૭મી ઓવરમાં જસપ્રિત બુમરાહે આઉટ કર્યો અને નિદામનુરુ તિલેને ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આઉટ કર્યો. નિદામાનુરુએ ૧ ચોગ્ગા અને ૬ છગ્ગાની મદદથી ૫૪ રનની ઇનિંગ રમી હતી.

Share.
Exit mobile version