પાકિસ્તાન- શ્રીલંકામાં રમાઈ રહેલા એશિયા કપ ૨૦૨૩ની તેની બીજી મેચમાં ભારતે નેપાળને એકતરફી હરાવીને સુપર-૪માં પ્રવેશ કર્યો છે. વરસાદના કારણે ઘણી વખત મેચ રોકવી પડી હતી. પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો ર્નિણય લેનાર કેપ્ટન રોહિત શર્માએ આ વખતે પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પરંતુ ભારત સામે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચ રમી નેપાળી ટીમે ૪૮.૨ ઓવરમાં ૨૩૦ રનનો સન્માનજનક સ્કોર કરીને વિશ્વ ક્રિકેટનું દિલ જીતી લીધું હતું. ૨૩૧ રનના ટાર્ગેટના જવાબમાં જ્યારે ભારતે ૨.૧ ઓવરમાં વિના વિકેટે ૧૭ રન કર્યા હતા ત્યારે વરસાદના કારણે રમત રોકવી પડી હતી. ડકવર્થ-લુઈસના આધારે, ભારતને ૨૩ ઓવરમાં ૧૪૫ રનનું ટાર્ગેટ મળ્યું હતું, જેને કેપ્ટન રોહિત શર્મા (૭૪) અને શુભમન ગિલ (૬૭)એ ૧૭ બોલ પહેલા એકપણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધું હતું.

એક જીત અને એક ડ્રો સાથે, ભારત ૧.૦૨૮ નેટ રન રેટ સાથે ગ્રુપ એમાં બીજા સ્થાને રહ્યું, આમ ટુર્નામેન્ટમાં બીજી વખત ભારત-પાકિસ્તાનની ટક્કર થશે. આ મેચ રવિવાર, ૧૦ સપ્ટેમ્બરના રોજ રમાશે.આસિફ શેખ (૯૭ બોલમાં ૫૮), કુશલ ભુર્તેલ (૨૫ બોલમાં ૩૮) અને સોમપાલ કામીએ (૫૬ બોલમાં ૪૮) ભારતીય ઝડપી બોલરોને વળતો જવાબ આપ્યો હતો. નેપાળના બેટ્‌સમેનો પહેલીવાર ભારત જેવી મજબૂત ટીમનો સામનો કરી રહ્યા હોય તેવું એક સેકન્ડ માટે પણ ક્યારેય લાગ્યું ન હતું. નેપાળ બેટિંગ કરવા ઉતર્યું હતું. આક્રમક ક્રિકેટ રમ્યા. ભારતીય બોલરો જ્યારે આક્રમણ કરવા જતા હતા ત્યારે તેમણે વળતો પ્રહાર કર્યો હતો. કદાચ ટીમ ઈન્ડિયા આ કાઉન્ટર એટેક માટે તૈયાર ન હતી, તેથી ભૂલો થતી રહી હતી.ઈન્ડિયન ટીમે તો એક પછી એક કેચ છોડ્યા હતા. દિગ્ગજ અને ફિટ ખેલાડીઓ પણ આ મેચમાં ભૂલો કરતા નજરે પડ્યા હતા. એટલું જ નહીં ભારતીય ટીમે જે રીતે પોતાની છાપ છોડી એને જાેતા લાગ્યું કે ફિલ્ડિંગમાં તો કોઈ શીખાઉ ટીમ રમી રહી હોય.

Share.
Exit mobile version