ભારતીય ટીમને વેસ્ટ ઈન્ડિઝ સામેની ૫ મેચની ટી૨૦ સિરીઝમાં ૩-૨થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિરીઝની પ્રથમ ૨ મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાએ શાનદાર વાપસી કરી અને પછીની ૨ મેચ જીતીને સિરીઝ બરોબરી કરી લીધી હતી, પરંતુ છેલ્લી મેચ વેસ્ટ ઇન્ડીઝ ટીમે ૮ વિકેટથી જીતીને સિરીઝ કબજે કરી લીધી હતી. આ ટી૨૦ સિરીઝમાં ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલના નામે એક અનિચ્છનીય અને શરમજનક રેકોર્ડ નોંધાયો હતો.શુભમન ગિલ માટે વેસ્ટ ઈન્ડિઝનો આ પ્રવાસ કઈ ખાસ રહ્યો ન હતો. ટી૨૦ સિરીઝની પાંચ મેચમાં તે માત્ર એક જ વખત પોતાની ઇનિંગમાં ડબલ ફિગર પાર કરી શક્યો હતો.
આ ટી૨૦ સિરીઝમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી શાનદાર પ્રદર્શન તિલક વર્મા અને કુલદીપ યાદવનું હતું.શુભમન ગિલ ૫મી ટી૨૦ મેચમાં માત્ર ૯ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તે પ્રથમ ત્રણ ઇનિંગ્સમાં ૩, ૭ અને ૬ રન બનાવીને આઉટ થયો હતો. આ ટી૨૦ સિરીઝની ચોથી મેચમાં ગિલે ૭૭ રનની ઇનિંગ રમી હતી. દ્વિપક્ષીય ટી૨૦ સિરીઝમાં શુભમન ગિલ હવે સૌથી વધુ વખત સિંગલ ડિજિટમાં પેવેલિયન પરત ફરવાના મામલે પ્રથમ સ્થાને આવી ગયો છે. આ પહેલા આ રેકોર્ડ કેએલ રાહુલના નામે હતો, જે વર્ષ ૨૦૨૧માં ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં ત્રણ વખત સિંગલ ડિજિટના સ્કોર પર આઉટ થયો હતો.