૭મી ઓક્ટોબરના રોજ પેલિસ્ટાઈન્ટના મિલિટન્ટ ગ્રુપ હમાસ દ્વારા અચાનક ગાઝા સ્ટ્રીપ પાસે ઈઝરાયેલ પર હુમલો કરી દીધો હતો, આવામાં ઈઝરાયેલમાં રહેલા ભારતીય વિદ્યાર્થીઓમાં ‘ચિંતા અને ડર’નો માહોલ છવાઈ ગયો છે. વિદ્યાર્થી પરદેશમાં હોય અને આવી ગંભીર સ્થિતિનું નિર્માણ થાય ત્યારે તેમના પર કેટલીક મુશ્કેલીઓ આવી પડતી હોય છે. પરંતુ અગાઉ જે રીતે રશિયા અને યુક્રેન દરમિયાન થયું ત્યારે ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે ભારત લાવવામાં આવ્યા હતા તે બાદ હવે આ સ્થિતિમાં ભારતીય વિદ્યાર્થીઓ ભારતની એમ્બેસીના સંપર્કમાં હોવાનું જણાવી રહ્યા છે.
ગોકુ માનાવલણે જણાવ્યું કે, તેમનામાં ચિંતા અને ડરનો માહોલ છે પરંતુ તેઓ ઈન્ડિયન એમ્બેસીના સંપર્કમાં છે. વિદ્યાર્થ ગોકુએ વધુમાં જણાવ્યું કે, “હું ઘણો જ નર્વસ અને ડરેલો છું.. સારું છે કે અમારી આસપાસ જ ઈઝયેલ પોલીસ ફોર્સ હતી અને અમે સુરક્ષિત જગ્યા પર આવ્યા છીએ. હાલ અમે સુરક્ષિત છીએ.. અમે ભારતીય એમ્બેસીના લોકો સાથે સતત સંપર્કમાં રહીએ છીએ, અમારી આસપાસ ભારતીય સમાજ છે અને અમે તેમની સાથે સતત સંપર્કમાં છીએ. અન્ય ભારતીય વિદ્યાર્થી વિમલ ક્રિષ્નાસમ્ય મણિવન્નન ચિત્રા જણાવે છે કે, હમાસ મિલિટન્ટનો હુમલો ઘણો જ ‘ભયાનક અને ડરામણો’ હતો, તેમણે કહ્યું કે તેઓ ભારતીય એમ્બેસીના સંપર્કમાં છે, અને તેમની દરકાર લેવામાં આવી રહી છે.
વધુ એક ભારતીય વિદ્યાર્થી આદિત્ય કરુણાનીથી નિવેદિતાએ ન્યૂઝ એજન્સી સાથે વાત કરીને જણાવ્યું છે કે, “..આ બધું એટલું ઝડપથી થયું કે અમે વિચાર્યું પણ નહોતું, કારણ કે ઈઝરાયેલમાં ધાર્મિક રજાઓ ચાલી રહી છે.” કરુણાનીથી કહે છે કે, “અમે વહેલી સવારમાં ૫.૩૦ વાગ્યે સાયરન સાંભળ્યું હતું.અમે સાયરન બંધ ન થયું ત્યાં સુધી ૭-૮ કલાક બંકરમાં રહ્યા હતા. અમને ઘરની અંદર જ રહેવાની સૂચના આપવામાં આવી છે. અમે સતત ભારતીય એમ્બેસીના સંપર્કમાં છીએ અને તેઓ જે કોઈ અપડેટ્સ હશે તે અંગે અમને માહિતી આપશે. હમાસના હુમલામાં ઈઝરાયેલમાં લગભગ ૧,૧૦૦ જેટલા લોકોના મોત થઈ ગયા છે, જેમાંથી ૨૬૦ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ મૃતદેહો ઈઝરાયેલના મ્યૂઝીક ફેસ્ટિવલના સ્થળ પરથી મળી આવ્યા છે. હજુ આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હોવાની વિગતો પણ સામે આવી રહી છે.