ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રિનિદાદના ક્વીન્સ પાર્કમાં બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. બીજી ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમની પ્રથમ ઇનિંગ ૪૩૮ રન પર સમાપ્ત થઈ હતી. આ પછી વેસ્ટ ઈન્ડિઝે પણ મજબૂત શરૂઆત કરી હતી. બીજા દિવસની રમતના અંતે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર એક વિકેટના નુકસાને ૮૬ રન હતો.
વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન ક્રેગ બ્રેથવેટ ૩૭ અને ક્રિક મેકેન્ઝી ૧૪ રને સ્ટમ્પના સમયે અણનમ પરત ફર્યા હતા. બ્રેથવેટે અત્યાર સુધીમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા છે જ્યારે મેકેન્ઝીએ એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો છે. તેજનારાયણ ચંદ્રપોલ ચાર ચોગ્ગાની મદદથી ૩૩ રન બનાવીને આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજાએ તેને પેવેલિયન ભેગો કર્યો હતો.
આ પહેલા ૫૦૦મી આંતરરાષ્ટ્રીય મેચને યાદગાર બનાવતા વિરાટ કોહલીએ તેની ૨૯મી ટેસ્ટ સદી ફટકારી, ભારતને વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટના બીજા દિવસે તેની પ્રથમ ઇનિંગમાં ૧૨૮ ઓવરમાં ૪૩૮ રન બનાવવામાં મદદ કરી હતી. આ સાથે કોહલીએ ક્રિકેટના ઈતિહાસના મહાન બેટ્સમેન ગણાતા સર ડોન બ્રેડમેનની ૨૯ ટેસ્ટ સદીની બરાબરી કરી લીધી છે.
વેસ્ટ ઇન્ડીઝ સામે બીજી ટેસ્ટમાં કોહલીએ ૨૦૬ બોલમાં ૧૨૧ રન બનાવ્યા હતા. તેના ઇન્ટરનેશનલ કરિયરની ૭૬મી સદી દરમિયાન તેણે રવિન્દ્ર જાડેજા (૬૧) સાથે પાંચમી વિકેટ માટે ૧૫૯ રનની ભાગીદારી કરીને ભારતને મજબૂત વાપસી કરાવી હતી. કોહલી રન આઉટ થયો હતો જ્યારે જાડેજા કેમાર રોચની બોલ પર જાેશુઆ ડીસિલ્વાના હાથે કેચ આઉટ થયો હતો.
લંચ બાદ રવિચંદ્રન અશ્વિને ફિફ્ટી ફટકારી અને નીચલા ક્રમના બેટ્સમેનો સાથે શાનદાર બેટિંગ કરીને ટીમનો સ્કોર ૪૩૮ રન સુધી પહોંચાડ્યો હતો. તે આઉટ થનાર છેલ્લો બેટ્સમેન હતો. તે આઉટ થતાની સાથે જ અમ્પાયરે ટી બ્રેકની જાહેરાત કરી હતી. તેણે ઈશાન કિશન (૨૫) સાથે સાતમી વિકેટ માટે ૩૩ રન અને જયદેવ ઉનડકટ (૦૭) સાથે આઠમી વિકેટ માટે ૨૩ રનની ભાગીદારી કરીને ટીમને ૪૦૦ રનની પાર પહોંચાડી હતી. અશ્વિને ૭૮ બોલની ઈનિંગમાં ૮ ચોગ્ગા ફટકાર્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ માટે રોચે ૧૦૪ અને જાેમેલ વારિકને ૮૯ રન ખર્ચી ત્રણ વિકેટ ઝડપી હતી. જેસન હોલ્ડરે ૫૭ રન આપ્યા હતા જ્યારે શેનન ગેબ્રિયલને એક વિકેટ મળી હતી.