ઈન્ડોનેશિયાએ ગૂગલ પિક્સેલ ફોન પર પ્રતિબંધ મૂક્યો છે. ઈન્ડોનેશિયાની સરકારે પહેલાથી જ iPhone 16 પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ ભારતથી ઈન્ડોનેશિયા જતા પ્રવાસીઓને પણ અસર કરી શકે છે.
iPhone 16 પછી ઇન્ડોનેશિયાએ પણ Google Pixel ફોન પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે Google Pixel સ્માર્ટફોનના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારનું કહેવું છે કે એપલની જેમ ગૂગલે પણ લોકલ મેન્યુફેક્ચરિંગ કમ્પ્લાયન્સનું પાલન કર્યું નથી. iPhone 16 પર પ્રતિબંધ બાદ Google Pixel ફોન પર પ્રતિબંધને કારણે ઈન્ડોનેશિયા જતા ભારતીય પ્રવાસીઓને પણ અસર થઈ શકે છે.
નિયમોનું ઉલ્લંઘન
ઈન્ડોનેશિયાની સરકારનું કહેવું છે કે ગૂગલ અને એપલ જેવી મોટી કંપનીઓ પર સ્થાનિક ઉત્પાદન નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અમે દેશમાં કામ કરતા તમામ રોકાણકારોને આ નિયમનું પાલન કરવા કહીએ છીએ, જેથી તે દરેક માટે ન્યાયી બની શકે. ગૂગલની પ્રોડક્ટ્સ આ નિયમનું પાલન કરતી નથી, જેના કારણે તેને અહીં વેચી શકાતી નથી.
ગૂગલે કહ્યું કે હાલમાં ઈન્ડોનેશિયામાં Pixel સ્માર્ટફોનનું વેચાણ થઈ રહ્યું નથી. જો કોઈ વપરાશકર્તા ઇન્ડોનેશિયાની બહાર Google Pixel ફોન ખરીદે છે, તો જ્યાં સુધી તે જરૂરી ટેક્સ ચૂકવે નહીં ત્યાં સુધી તેનો ફોન ગેરકાયદેસર ગણવામાં આવશે. ઈન્ડોનેશિયા સરકારનો આ નિર્ણય iPhone 16 પર પ્રતિબંધ લગાવ્યાના એક સપ્તાહ બાદ આવ્યો છે. ઈન્ડોનેશિયાની સરકારે ત્યાં ફોનના વેચાણ માટે નિયમો અને શરતો નક્કી કરી છે, જેથી સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપી શકાય. સરકારે સ્માર્ટફોન કંપનીઓને તેમના ઉપકરણોમાં 40 ટકા લોકલ કમ્પોનન્ટ્સનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે.
ભારતીય યુઝર્સને પણ અસર થશે
જો કે, ગૂગલ અને એપલ ઇન્ડોનેશિયામાં ટોચના સ્માર્ટફોન ઉત્પાદકો નથી. સેમસંગ અને ઓપ્પોના ફોન ઈન્ડોનેશિયાના માર્કેટમાં સૌથી વધુ વેચાઈ રહ્યા છે. ભારત ઉપરાંત દક્ષિણ એશિયામાં ઈન્ડોનેશિયા પણ એક મહત્વપૂર્ણ સ્માર્ટફોન માર્કેટ છે. અહીંની મોટાભાગની વસ્તી 30 વર્ષથી ઓછી વયની છે, જેના કારણે તેને ટેક સેવી રાષ્ટ્ર કહેવામાં આવે છે. ઈન્ડોનેશિયા સરકારના આ પ્રતિબંધથી ભારતમાંથી ઈન્ડોનેશિયા જતા પ્રવાસીઓને પણ અસર થશે. જો તેઓ ઈન્ડોનેશિયા જઈ રહ્યા છે, તો આઈફોન 16 અને ગૂગલ પિક્સેલ ફોન ઉપરાંત, તેઓએ તેમની સાથે એક સેકન્ડરી ફોન પણ રાખવો પડશે.