પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ (આઈએસઆઈ) એ ખાલિસ્તાની આતંકી ગુરુપતવંત સિંહ પન્નુ ને ભારતમાં આતંકી પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે ૬૦ હજાર ડૉલર આપ્યા છે. આ ડીલ અમુક દિવસ પહેલાં કેનેડામાં પાક. હાઈ કમીશન નજીક એક હોટેલમાં આઈએસઆઈના અધિકારીઓ સાથે થઈ હોવાનો દાવો કરાયો છે.
ભારતીય કરન્સી અનુસાર આ રકમ ૫૦ લાખ, ૪૦ હજાર જેટલી થાય છે. ઈન્ટેલિજન્સ એજન્સીના એક અધિકારીએ કહ્યું કે આતંકી પન્નુ હવે આ રકમથી ખાસ કરીને પંજાબમાં તેના સાગરીતોની મદદથી કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની તાકમાં છે. આ મામલે સુરક્ષા એજન્સીએ તમામ રિપોર્ટ તૈયાર કરી કેન્દ્રની ઈન્ટેલિજન્સ એજન્સીને મોકલી દીધા છે.
જાેકે આ અહેવાલ સામે આવતા જ પોલીસે પંજાબ એરપોર્ટની સુરક્ષા વધારી દીધી છે. ખાસ કરીને શ્રી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટને સીઆઈએસએસ અને પંજાબ પોલીસના જવાનોએ ચારેકોરથી કબજામાં લઈ લીધો છે. શંકાસ્પદ લોકોની અટકાયત કરીને તપાસ કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ આતંકી પન્નુએ એક વીડિયો જાહેર કરીને ૧૯ નવેમ્બરે એર ઈન્ડિયામાં મુસાફરી કરનારા લોકોને ચેતવણી આપી હતી.