IREDA
રિન્યુએબલ એનર્જી સેક્ટર IREDA એ નાણાકીય વર્ષ 2025 ના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ માહિતી આપી છે કે બીજા ક્વાર્ટર દરમિયાન તેના નફા અને ચોખ્ખી વ્યાજની આવકમાં વધારો થયો છે. ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 36 ટકા વધીને રૂ. 387.75 કરોડ થયો છે. મુખ્યત્વે આવકમાં વધારો થવાને કારણે કંપનીનો નફો વધ્યો છે.
IREDA Q2 Results: કંપનીના ત્રિમાસિક પરિણામો બહાર આવ્યા બાદ શુક્રવારે કંપનીના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. આગલા દિવસના બંધની સરખામણીએ શુક્રવારે શેરમાં 2 ટકાનો વધારો થયો છે.
ગયા નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો રૂ. 284.73 કરોડ હતો. IREDA કંપનીની કુલ ઓપરેટિંગ આવક 2024-25 ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 38.52 ટકા વધીને રૂ. 1,630.38 કરોડ થઈ છે જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ. 1,176.96 કરોડ હતી. સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં લોનની મંજૂરી વધીને રૂ. 8,723.78 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉ 2023-24ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2,852.05 કરોડ હતી.
ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સ માટે લોન આપતી IREDAએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 4,461.87 કરોડની લોનનું વિતરણ કર્યું હતું, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ. 3,099.98 કરોડ હતું. IREDAના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પ્રદીપ કુમાર દાસે એક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે બીજા ક્વાર્ટરના પરિણામો દેશમાં રિન્યુએબલ એનર્જી લક્ષ્યોને અનુસરવા માટેના અમારા સમર્પણને દર્શાવે છે. લોનની મંજૂરી અને વિતરણમાં નોંધપાત્ર વધારો સમગ્ર દેશમાં ગ્રીન પ્રોજેક્ટ્સને ટેકો આપવા માટે કંપનીની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.