ભારતે ગઈકાલે અફઘાનિસ્તાન સામે રમાયેલી વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩ની ૯મી મેચમાં ૮ વિકેટથી જીત મેળવી હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે જબરદસ્ત બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. તેણે ૪ વિકેટ ઝડપી હતી. બુમરાહે વિકેટ લીધા બાદ ખાસ અંદાજમાં સેલિબ્રેટ કર્યું હતું. બુમરાહની આ સ્ટાઇલે ક્રિકેટમાં ફૂટબોલનો સ્વાદ ઉમેર્યો હતો. બુમરાહનો ફોટો ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડ દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેના પર ચાહકોની રસપ્રદ પ્રતિક્રિયા જાેવા મળી હતી. બુમરાહે વિકેટ લીધા બાદ ઇંગ્લિશ ફૂટબોલર માર્કસ રેશફોર્ડની જેમ સેલિબ્રેટ કર્યું હતું. રેશફોર્ડ માન્ચેસ્ટર યુનાઈટેડ માટે રમે છે. તેની તસવીર માન્ચેસ્ટર યુનાઈટેડ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે. તસવીરમાં બુમરાહની સાથે રેશફોર્ડ પણ જાેવા મળી રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ સહિત ઘણી ટીમોએ આ ફોટો પર કોમેન્ટ કરી છે. ચાહકો તરફથી પણ રસપ્રદ પ્રતિક્રિયાઓ જાેવા મળી રહી છે.
દિલ્હીમાં રમાયેલી મેચમાં બુમરાહે ૧૦ ઓવરમાં ૩૯ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. તેણે ઈબ્રાહીમ ઝાદરાન, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ અને રાશિદ ખાનની વિકેટ લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમે ૨૭૨ રન બનાવ્યા હતા. બુમરાહની સાથે સાથે હાર્દિક પંડ્યાએ પણ ૨ વિકેટ ઝડપી હતી. પંડ્યાએ રહેમાનુલ્લા ગુરબાઝ અને અઝમતુલ્લા ઉમરઝઈને આઉટ કર્યો હતો. ભારતે માત્ર ૩૫ ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. રોહિતે ૮૪ બોલમાં ૧૬ ચોગ્ગા અને ૫ છગ્ગા ની મદદથી ૧૩૧ રન બનાવ્યા હતા. જયારે વિરાટે અણનમ ૫૫ રન બનાવ્યા હતા.