ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ચીનમાં આયોજિત એશિયન ગેમ્સ-૨૦૨૩ની ફાઈનલ માટે ટિકિટ બુક કરાવી લીધી છે. સ્મૃતિ મંધાનાની કેપ્ટનશિપમાં રમી રહેલી ટીમે રવિવારે રમાયેલી સેમિફાઇનલ મેચમાં બાંગ્લાદેશને ૮ વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય ટીમે મેડલ પણ નિશ્ચિત કરી લીધો છે. હવે આ ટીમ ગોલ્ડથી માત્ર એક જીત દૂર છે.
હાંગઝોઉના પિંગફેંગ કેમ્પસ ક્રિકેટ ફિલ્ડમાં રમાયેલી આ મેચમાં બાંગ્લાદેશની કેપ્ટન નિગાર સુલ્તાનાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. જાે કે, આ ર્નિણય સંપૂર્ણપણે ખોટો સાબિત થયો અને બાંગ્લાદેશની આખી ટીમ પત્તાના ઘરની જેમ પડી ભાંગી. માત્ર નિગાર સુલતાના (૧૨) ડબલ ફિગર સુધી પહોંચી શકી હતી. બાંગ્લાદેશની ટીમ ૧૭.૫ ઓવરમાં ૫૧ રનના કુલ સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ભારતીય ટીમે ૮.૨ ઓવરમાં ૨ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
જમણા હાથની મીડિયમ પેસર પૂજા વસ્ત્રાકરે અદભૂત બોલિંગ કરી અને ૪ ઓવરમાં માત્ર ૧૭ રન આપીને ૪ વિકેટ લીધી. તેમના સિવાય તિતાસ સાધુ, અમનજાેત કૌર, રાજેશ્વરી ગાયકવાડ અને દેવિકા વૈદ્યએ ૧-૧ વિકેટ લીધી હતી.
૫૨ રનના નાના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય મહિલા ટીમની કેપ્ટન સ્મૃતિ મંધાના સસ્તામાં પેવેલિયન પરત ફરી હતી. તે ૭ રનના અંગત સ્કોર પર મારુફા અખ્તરનો શિકાર બની હતી. આ પછી ટીમની બીજી વિકેટ શેફાલી વર્મા (૧૭)ના રૂપમાં ૪૦ના સ્કોર પર પડી. જેમિમાહ રોડ્રિગ્ઝ ૨૦ રન બનાવીને અણનમ પરત ફરી હતા.