એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ લીકર પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવ્યા બાદ રાજકારણ ગરમાવ્યું છે. આમ આદમી પાર્ટી પણ તેમની ધરપકડ થવાની આશંકા વ્યક્ત કરી રહી છે. પાર્ટી એ વિચારવામાં વ્યસ્ત થઈ ગઈ છે, જાે કેજરીવાલની ધરપકડ થાય તો તેમણે રાજીનામું આપવું જાેઈએ કે જેલમાંથી જ સરકાર ચલાવવી જાેઈએ ? ત્યારે આ તમામ આશંકાઓ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ ચોંકાવનારો દાવો કર્યો છે.
ભાજપના રાષ્ટ્રીય સચિવ મનજિંદર સિંહ સિરસાએ આક્ષેપ કર્યો છે કે, કેજરીવાલ પત્નીને મુખ્યમંત્રી બનાવવા ઈચ્છે છે. લિકર પોલિસી કેસમાં શરૂઆતથી જ ફરિયાદકર્તાઓમાં સામેલ સિરસાએ દાવો કરતાં કહ્યું કે, આમ આદમી પાર્ટીના જ એક નેતાએ તેમને આ માહિતી આપી છે. સિરસાએ એજન્સી સાથેની વાતચીતમાં એવો પણ દાવો કર્યો છે કે, ધારાસભ્યોનો ઈન્કાર છતાં કેજરીવાલ જનમત સંગ્રહ કરવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, જનમત સંગ્રહ બાદ કેજરીવાલ પત્નીને મુખ્યમંત્રી બનાવશે.
સિરસાએ કહ્યું કે, ‘અરવિંદ કેજરીવાલે ગઈકાલે ધારાસભ્યો સાથે બેઠક યોજી અને કહ્યું કે, ધરપકડ થયા બાદ હું તિહાર જેલમાંથી સરકાર ચલાવીશ. કેજરીવાલને અગાઉથી જ જાણ હતી કે, જે પુરાવા આવ્યા છે, તેમાં ૩૫૦ કરોડ રૂપિયાથી વધુનું મની ટ્રેલ છે. સુપ્રીમ કોર્ટે પણ તેનો ઉલ્લેખ કર્યો છે અને સિસોદિયાને પણ જામીન આપ્યા નથી. કેજરીવાલે જે નાણાંની લેવડ-દેવડ કરી છે, ખાસ કરીને તેમણે પોતાનું શીશમહેલ બનાવવાનું કામ કર્યું, તેમણે જાણ છે કે, તેઓ જેલ જશે.’ સિરસાએ વધુમાં કહ્યું કે, ‘મેં અગાઉ કહ્યું હતું કે, કેજરીવાલ ઈડીસમક્ષ હાજર નહીં થાય, કારણ કે તેઓ તેમની ધર્મપત્ની સુનીતા કેજરીવાલને મુખ્યમંત્રી બનાવવા ધારાસભ્યોને મનાવવા માંગે છે.
ગઈકાલે કેજરીવાલ દ્વારા યોજાયેલી બેઠકમાં આ સ્પષ્ટ થઈ ગયું છે. આપના એક વરિષ્ઠ નેતાએ મને કહ્યું કે, તમામ ધારાસભ્યોએ ઈન્કાર કરી દીધો છે, તેઓએ કહ્યું કે, જાે તમારી પત્નીને બનાવશો, અગાઉથી જ ભ્રષ્ટાચારનો દાગ લાગ્યો છે, ત્યારબાદ તમારા શીખમહેલ, અને હવે પરિવારવાદ બચ્યું છે, આ કરશો તો બરબાદ થઈ જશો. બેઠકમાં એવો નિવેડો લવાયો છે કે, જનમત કરાવીશું. જાે લોકો એવું કહેશે કે અમે કેજરીવાલજીને મત આપ્યો છે, તો સુનીતા કેજરીવાલને જ મુખ્યમંત્રી બનાવી દેવાશે.’