Kolkata : કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં થયેલા બળાત્કાર અને હત્યા કેસમાં શું વધુ એક આરોપી છે? CBI હવે કોલકાતા પોલીસ વિભાગના ASI અનુપ દત્તાનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવા જઈ રહી છે. કોર્ટમાંથી ટેસ્ટ કરાવવાની પરવાનગી મળી ગઈ છે. સીબીઆઈ સૂત્રોના જણાવ્યા અનુસાર, અનૂપ દત્તાને આરોપી ગણવામાં આવી રહ્યો છે કારણ કે તેના પર ગુનો કર્યા બાદ સંજય રોયની મદદ કરવાનો આરોપ છે. સંજયે પોલીગ્રાફ ટેસ્ટમાં કબૂલાત કરી છે કે ઘટનાની રાત્રે તે આરજી હોસ્પિટલ છોડીને તેના પોલીસ અધિકારી મિત્રના ઘરે ગયો હતો.
કોણ છે ASI અનુપ દત્તા?
અનુપ દત્તા હૉસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષના પણ નજીકના હોવાનું કહેવાય છે. સંજય રોય અને સંદીપ ઘોષ સાથે અનૂપની તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી છે. અનૂપ તેની પોલીસ વેલ્ફેર કમિટીના સભ્ય પણ છે, જેમાં સંજય રોય પણ સભ્ય હતા. આ બંનેની જવાબદારી કોઈને કોઈ કારણોસર હોસ્પિટલમાં દાખલ પોલીસકર્મીઓને મળવાની અને મદદ કરવાની હતી. આરોપ છે કે અનૂપે સંજય રોયને પોલીસ ક્વાર્ટર, પોલીસ બાઈક અને પોલીસ વિભાગમાં નોકરી અપાવવામાં મદદ કરી હતી, જ્યારે નિયમ મુજબ સંજય રોયને નાગરિક સ્વયંસેવક તરીકે આવું કોઈ ભથ્થું મળી શકે નહીં.