LIC : ભારતીય જીવન વીમા નિગમ (LIC) નો ચોખ્ખો નફો ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 10 ટકા વધીને રૂ. 10,461 કરોડ થયો છે. ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 9,544 કરોડ હતો. દેશની સૌથી મોટી વીમા કંપની LIC એ ગુરુવારે શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે જૂન ક્વાર્ટરમાં તેની કુલ આવક રૂ. 2,10,910 કરોડ હતી, જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 1,88,749 કરોડ હતી.
કંપનીએ જણાવ્યું હતું કે પોલિસીના પ્રથમ વર્ષ માટેનું પ્રીમિયમ સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં વધીને રૂ. 7,470 કરોડ થયું છે જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 6,811 કરોડ હતું. LIC એ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જૂની પોલિસીના રિન્યુઅલ પ્રીમિયમથી રૂ. 56,429 કરોડની કમાણી કરી હતી, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં રૂ. 53,638 કરોડ હતી.
LICની રોકાણમાંથી ચોખ્ખી આવક જૂન ક્વાર્ટરમાં વધીને રૂ. 96,183 કરોડ થઈ છે જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 90,309 કરોડ હતી. LICનું સોલ્વન્સી માર્જિન (દાવા ચૂકવવાની ક્ષમતા) ગુણોત્તર છેલ્લા ક્વાર્ટરમાં વધીને 1.99 ટકા થયો છે, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં 1.89 ટકા હતો.