ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ગઈકાલે વન-ડે વર્લ્ડકપ ૨૦૨૩ની ૧૮મી મેચ રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે પાકિસ્તાનને ૬૨ રનથી હરાવ્યું હતી. ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર(૧૬૩) અને મિચેલ માર્શે (૧૨૧) પાકિસ્તાન સામે સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાની આ ચાર મેચમાં બીજી જીત છે જયારે પાકિસ્તાનની આ બીજી છે. આ મેચમાં ઘણાં રેકોર્ડ પણ બન્યા હતા.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા ૯ વિકેટ ગુમાવીને ૩૬૭ રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ ૪૫.૩ ઓવરમાં ૩૦૫ રનના સ્કોર પર ઓલઆઉટ થઇ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાને ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે એક વિકેટ ઝડપી હતી.
આ એક વિકેટ સાથે તેણે પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર વસીમ અકરમની બરાબરી કરી લીધી છે. સ્ટાર્કે ૫૫ વિકેટ સાથે વન-ડે વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે તે ચોથા સ્થાને પહોંચી ગયો છે. અકરમે પણ વન-ડે વર્લ્ડકપમાં ૫૫ વિકેટ ઝડપી હતી. આ મામલે ગ્લેન મેકગ્રા (૭૭), મુથૈયા મુરલીધરન (૬૮) અને લસિથ મલિંગા (૫૬) તેનાથી આગળ છે.
મિચેલ સ્ટાર્કે ઉપરાંત ગઈકાલે રમાયેલી મેચમાં એડમ ઝમ્પાએ પણ મોટો રેકોર્ડ બનાવ્યો હતો. ઝમ્પાએ પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં ૪ વિકેટ ઝડપી હતી. આ સાથે જ તે વન-ડે વર્લ્ડકપમાં સતત ૪ કે તેથી વધુ વિકેટ લેનારા ખેલાડીઓના ક્લબમાં સામેલ થઇ ગયો છે. ઝમ્પાએ શ્રીલંકા સામે રમાયેલી મેચમાં પણ ૪ વિકેટ ઝડપી હતી.
પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે રમાયેલી મેચમાં ૨૫ છગ્ગા ફટકારવામાં આવ્યા હતા. વન-ડેની જે મેચોમાં સૌથી વધુ છગ્ગા ફટકારવામાં આવ્યા છે તેમાં આ મેચ ત્રીજા સ્થાને છે. વર્ષ ૨૦૧૯માં ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં સૌથી વધુ છગ્ગા ફટકારવામાં આવ્યા હતા. બંને ટીમોએ મળીને ૩૩ છગ્ગા ફટકાર્યા હતા.