PM Modi
PM Modi: દેશના અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ સમયે યોજાતી ચૂંટણીઓને ખતમ કરીને પ્રક્રિયાને સરળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે મોદી સરકારે ગુરુવારે મોટો નિર્ણય લીધો હતો. કેબિનેટે ‘વન નેશન, વન ઈલેક્શન’ બિલને મંજૂરી આપી દીધી છે. સૂત્રોનું કહેવું છે કે હવે સરકાર ટૂંક સમયમાં આ બિલને ગૃહમાં રજૂ કરશે. આ બિલ આવતા અઠવાડિયે એટલે કે આ શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે. આ બિલ પસાર થવાથી સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી યોજવામાં મદદ મળશે.
સૌપ્રથમ સંયુક્ત સંસદીય સમિતિ (JPC) સમિતિની રચના કરવામાં આવશે અને આ અંગે અન્ય તમામ પક્ષોના સૂચનો લેવામાં આવશે. તમામની સહમતિ બાદ જ આ બિલ સંસદમાં લાવવામાં આવશે. મોદી સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોને સ્વીકાર્યા બાદ આ પગલું ભર્યું છે. સમિતિએ તબક્કાવાર રીતે લોકસભા, રાજ્ય વિધાનસભાઓ અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ એકસાથે યોજવાનું સૂચન કર્યું હતું.
શિવરાજસિંહ ચૌહાણે પણ ભાર મૂક્યો હતો
કેબિનેટના નિર્ણય પહેલા બુધવારે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ વન નેશન વન ઈલેક્શનની હિમાયત કરી હતી. તેમણે દલીલ કરી હતી કે વારંવારની ચૂંટણીઓ દેશના વિકાસને અવરોધે છે. દેશ વિકાસના પંથે ઝડપથી આગળ વધી રહ્યો હોવાથી ચૂંટણી પ્રક્રિયાને સરળ બનાવવી જોઈએ.
સપ્ટેમ્બરમાં દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી
આ વર્ષે સપ્ટેમ્બરમાં, કેન્દ્રીય કેબિનેટે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ પ્રસ્તાવને મંજૂરી આપી હતી, જેનો ઉદ્દેશ્ય 100 દિવસની અંદર લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ, શહેરી સંસ્થાઓ અને પંચાયતોની ચૂંટણીઓ એકસાથે કરાવવાનો છે.