Moody’s increased India’s GDP : ભારતીય અર્થતંત્ર માટે વધુ એક સારા સમાચાર છે. વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે 2024 કેલેન્ડર વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજને 6.1 ટકાથી વધારીને 6.8 ટકા કર્યો છે. ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના ત્રીજા ક્વાર્ટરમાં જાહેર કરાયેલા જીડીપીના આંકડાએ તમામ અંદાજોને પાછળ છોડી દીધા છે ત્યારે મૂડીઝે આ ડેટા જાહેર કર્યો છે. ત્રીજા ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 8.4 ટકા હતો.
ભારતે અપેક્ષા કરતા વધુ સારું પ્રદર્શન કર્યું.
મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે જણાવ્યું હતું કે, સરકારી મૂડી ખર્ચ અને મેન્યુફેક્ચરિંગ ઇક્વિટીમાં વધારાને કારણે 2023માં વૃદ્ધિ શાનદાર રહી છે. વૈશ્વિક કટોકટી શાંત થયા પછી, ભારતીય અર્થતંત્ર આરામથી 6 થી 7 ટકાના દરે વૃદ્ધિ કરી શકે છે. મૂડીઝે તેના ગ્લોબલ મેક્રોઇકોનોમિક આઉટલુક રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થા 2023માં અપેક્ષા કરતા વધુ સારી રીતે વિકાસ પામી છે, ત્યાર બાદ અમે 2024 માટે વૃદ્ધિ અનુમાન 6.1 ટકાથી વધારીને 6.8 ટકા કરવાનો નિર્ણય લીધો છે. 2025માં જીડીપી વૃદ્ધિ દર 6.4 ટકા રહેવાનો અંદાજ છે.