સુરતમાં મનપાના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને વરાછા એ ઝોનમાં દરોડા પાડ્યા હતા. આ દરમ્યાન પુણા સીમાડા ખાતે આવેલી સોસાયટીમાં શંકાસ્પદ ઘી બનાવતા હોવાનું ધ્યાને આવતા ફૂડ સેફટી ઓફિસરો દ્વારા ત્યાં દરોડા પાડી ઘીના નમુના લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તપાસનો રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ ૩,૩૩૬ લીટર ઘી જપ્ત કરી સીઝ કરવામાં આવ્યું છે. જેની અંદાજીત કિંમત દસ લાખથી વધારે છે. ફૂડ વિભાગના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા વરાછા ઝોન-એમાં ૧૦ ફૂડ સેફટી ઓફિસરોની અલગ અલગ ટીમ બનાવીને તપાસ કરવામાં આવી હતી. સુરતના પુણા સીમાડા રોડ ખાતે આવેલી ગોદાવરી પાર્ક સોસાયટીમાં આવેલા એક ઘરમાં ધરમ એન્ટરપ્રાઈઝ નામની સંસ્થા મળી આવી હતી. જેમાં સંસ્થાના માલિક દ્વારા શંકાસ્પદ ઘી બનાવતા હોવાની જાણ થતા જ ફૂડ સેફટી ઓફિસરો દ્વારા સંસ્થા દ્વારા ઉત્પાદિત ઘીના નમુના લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

વધુમાં આ સંસ્થામાંથી ૧ લીટર, ૫૦૦ મિ.લી., ૨૦૦ મી.લી., અને ૧૦૦ મી.લી.ની પ્લાસ્ટિક ની બોટલ/જારમાં મળી આવ્યા છે. ૩૩૩૬ લીટર ઘી જપ્ત કરી સીઝ કરવામાં આવ્યું છે. જેની અંદાજીત કિંમત દસ લાખ આઠ સો રૂપિયા થાય છે. ફૂડ સેફટી ઓફિસર ડી.કે.પટેલે જણાવ્યું હતું કે હાલ ઘી ના નમુના લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જેના તપાસના અહેવાલ આવ્યા પછી જ આગાળની કાર્યવાહી કરવામાં આવશે. આ અગાઉ પણ સુરત મનપાના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા અલગ અલગ ટીમ બનાવી દરેક ઝોનમાંથી દુધના માવા, મીઠાઈ, મરી મસાલા, આઈસ્ક્રીમ, કેરીના રસ, વગેરેના નમુના લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ તપાસના રીપોર્ટમાં નમૂનામાં ખામી બહાર આવતા કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

Share.
Exit mobile version