આજે ભારતના હિમાચલ પ્રદેશ સહીત ઉતરાખંડ રાજ્યમાં વરસાદે ભારે તારાજી સર્જી હતી. હવે ભારત બાદ ચીન પર પણ કુદરતનો પ્રકોપ યથાવત છે. ચીનના શિયાન પ્રાંતમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયાના સમાચાર મળી રહ્યા છે. આ ઘટનામાં ૨૧ લોકોના મોત થયા હતા અને ૬ લોકો ગુમ થયા હતા. સ્થાનિક મીડિયા અનુસાર, ભૂસ્ખલન અને પૂરમાં એક હાઇવેને પણ ભારે નુકસાન થયું હતું અને શહેરમાં લગભગ ૯૦૦ ઘરો વીજળી વગરના બન્યા હતા. ચીનની સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર જુલાઈમાં પૂર અને ભૂસ્ખલનના કારણે ૧૪૨ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ૯૮૦ લોકો લાપતા બન્યા હતા.
ખાનુન વાવાઝોડાને કારણે ચીનમાં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે. આ વાવાઝોડાને કારણે અગાઉ દક્ષિણ કોરિયા અને જાપાનમાં પણ નુકસાન થયું હતું. હવે આ વાવાઝોડું ચીનમાં નબળું પડી ગયું છે. ચીનમાં ખાનુન વાવાઝોડા પહેલા ડોકસુરી વાવાઝોડાએ તબાહી મચાવી હતી. ચીનમાં છેલ્લા ૭૦ વર્ષનો વરસાદનો રેકોર્ડ તૂટી ગયો છે. રાજધાની બેઇજિંગમાં સૌથી વધુ ૨૫૭.૯ મીમી વરસાદ નોંધાયો હતો. અગાઉ ૧૯૫૧માં આટલો ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે બચાવકર્મીઓએ અત્યાર સુધીમાં ૧ લાખથી વધુ લોકોને બચાવીને સલામત સ્થળે મોકલી દીધા છે.