Bangladesh :  બાંગ્લાદેશમાં આરક્ષણ આંદોલન બાદ વડાપ્રધાન શેખ હસીનાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમના સ્થાને મોહમ્મદ યુનુસ વચગાળાની સરકારના વડા બન્યા. પરંતુ બાંગ્લાદેશમાં હજુ પણ તણાવની સ્થિતિ યથાવત છે. આ કારણોસર, ICCએ બાંગ્લાદેશને બદલે UAEમાં મહિલા T20 વર્લ્ડ કપ 2024 આયોજિત કરવાનો નિર્ણય કર્યો. જ્યારે બાંગ્લાદેશની પુરૂષ ક્રિકેટ ટીમ પાકિસ્તાનના પ્રવાસે છે. આ દરમિયાન બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ નઝમુલ હસને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હવે તેમના સ્થાને પૂર્વ ક્રિકેટર ફારુક અહેમદને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના નવા ચીફ બનાવવામાં આવ્યા છે. ઢાકામાં યોજાયેલી બેઠક દરમિયાન ફારૂકને પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર રહી ચૂક્યા છે.

ફારુક અહેમદ બાંગ્લાદેશના ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર પણ રહી ચૂક્યા છે. આ જવાબદારી તેમણે 2003 થી 2007 અને 2013 થી 2016 સુધી નિભાવી હતી. તેમણે મુખ્ય પસંદગીકાર તરીકેની તેમની બીજી ટર્મ દરમિયાન અધવચ્ચે જ રાજીનામું આપી દીધું હતું. કારણ કે તેઓ 3 સભ્યોની પસંદગી પેનલના વિસ્તરણને સ્વીકારવા તૈયાર ન હતા.

બાંગ્લાદેશ માટે 7 ODI મેચ રમી.

ફારુક અહેમદે બાંગ્લાદેશ માટે 7 ODI મેચ રમી છે, જેમાં તેણે 105 રન બનાવ્યા છે. તેણે 1988માં બાંગ્લાદેશ માટે તેની પ્રથમ ODI અને 1999માં તેની છેલ્લી ODI રમી હતી. ફારુકને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણી તકો મળી ન હતી. આ કારણોસર તેની કારકિર્દી લાંબો સમય ચાલી શકી નહીં. તેણે 5 ફર્સ્ટ ક્લાસ મેચ અને કુલ 21 લિસ્ટ-એ મેચ રમી.

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ પાકિસ્તાન પ્રવાસે છે.

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ હાલમાં જ પાકિસ્તાન સામે બે ટેસ્ટ મેચ રમવા પાકિસ્તાન ગઈ છે. જ્યાં ટીમ પોતાની પ્રથમ મેચ 21 ઓગસ્ટે રમશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે બંને ટીમો માટે ટેસ્ટ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે. બાંગ્લાદેશની ટીમ હજુ સુધી પાકિસ્તાન સામે એક પણ ટેસ્ટ મેચ જીતી શકી નથી. ટીમે પાકિસ્તાન સામે 13 ટેસ્ટ મેચ રમી છે જેમાંથી 12માં હાર અને એક મેચ ડ્રો રહી છે.

Share.
Exit mobile version