ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલા આવાસના ક્વાર્ટરમાં રહેતા બે સગા ભાઈઓના ઉલટી થયા બાદ શંકાસ્પદ રીતે મૃત્યુ નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલા રોહિત મકવાણા અને હરેશ મકવાણા નામના બંને સગા ભાઈઓના મૃત્યુ નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક રીતે જ બનાવ શંકાસ્પદ જણાતા મૃત્યુ પામેલા બંને સગા ભાઈઓના ફોરેન્સિક પીએમની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ફોરેન્સિક પીએમનો રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે કે આખરે બંને સગા ભાઈઓના મૃત્યુ પાછળનું સાચું કારણ શું છે? સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, મૃતકના માતા-પિતાએ ૧૫ દિવસ પૂર્વે છૂટાછેડા લીધા હતા. ત્યાર બાદથી બંને બાળકો પિતા સાથે રહેતા હતા. બંને બાળકોને પિતા વારંવાર દરગાહ ખાતે લઈ જતો હતો.
ગઈકાલે પણ બંને બાળકો દરગાહમાં ન્યાજ પણ જમ્યા હતા. ત્યારબાદ બંને બાળકોને ઉલટી થઈ જતા તેઓને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ નીપજતા બનાવ બાબતે ગોંડલ પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે આજરોજ ગોંડલ પોલીસ દ્વારા બનાવ સંદર્ભે મૃતકોના પિતાનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. શંકા ત્યારે ઉદ્ભવી છે જ્યારે કે દરગાહની અંદર ન્યાજ જમેલા અન્ય કોઈ વ્યક્તિને આ પ્રકારે ઉલટી થયા બાદ મૃત્યુ થયું હોય તે પ્રકારની ઘટના સામે નથી આવી. ત્યારે શા માટે માત્ર આ બંને સગા ભાઈઓના ઉલટી થયા બાદ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હોવાનો બનાવ બન્યો છે. આ સમગ્ર મામલે ફોરેન્સિક પીએમ રિપોર્ટ સામે આવ્યા બાદ જ બાળકોને ખાદ્ય પદાર્થમાં કે પછી પ્રવાહી પદાર્થમાં કંઈક ઝેરી પદાર્થ નાખીને પીવડાવ્યો હતો કે કેમ તે જાેવું અતિ મહત્વનું બની રહેશે.