કોરોનાના કારણે અમેરિકાના વિઝાની કામગીરીને ઘણી અસર થઈ છે. હાલમાં અમેરિકાની દરેક વિઝાની કેટેગરીમાં વિલંબ ચાલે છે અને બેકલોગ સર્જાયો છે. અમેરિકન એમ્બસી અને કોન્સ્યુલેટને આ મુદ્દે કેટલીય ફરિયાદો મળી છે. કોરોનાના લીધે વિઝા ઈન્ટરવ્યૂનો વેઈટિંગ સમય ખૂબ જ વધી ગયો હતો અને તેના લીધે હજારોની સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અને નોકરી શોધનારાઓ અટવાઈ પડ્યા હતા. જાેકે, થોડા સમય પહેલા જ અમેરિકા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, ૨૦૨૩માં તેઓ મોટી સંખ્યામાં ભારતીયોની વિઝા અરજી પ્રોસેસ કરશે. વર્ક વિઝા માટેનો વેઈટિંગ પીરિયડ ઘટ્યો છે પરંતુ બિઝનેસ કે ટ્રાવેલ વિઝા મેળવવામાં હજી પણ ઘણો વિલંબ થાય છે. વિઝા અપોઈન્ટમેન્ટ મેળવવામાં વાર લાગે છે ઉપરાંત વિઝા રિજેક્શનનો દર પણ ઊંચો છે, જેના લીધે કેટલાય ગુજરાતીઓને તેમના અમેરિકા ફરવા જવાના પ્લાન રદ્દ કરવા પડ્યા છે અથવા તો મુલતવી રાખ્યા છે.
અમેરિકાના વિઝિટર વિઝા અથવા બિઝનેસ વિઝા માટે અરજી કરનારને વહેલામાં વહેલી અપોઈન્ટમેન્ટ પણ ૨૦૨૪ની મળે છે. શેંગેન અને કેનેડાના વિઝાની અપોઈન્ટમેન્ટ ૪૫થી ૬૦ દિવસમાં મળી જાય છે પરંતુ તેમાં રિજેક્શનનો દર ખૂબ વધારે છે. અમદાવાદના વ્યવસાયી દીપક દેસાઈએ પોતાની વ્યથા ઠાલવતાં કહ્યું, મેં મારા કઝિન સાથે સપ્ટેમ્બરમાં યુરોપ ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો. અમારી ચાર જણાંની સિંગલ ટિકિટ હતી અને ફરવાના સ્થળો પણ કોમન હતા. બધા જ જરૂરી દસ્તાવેજાે પૂરા પાડવા છતાં મારી વિઝા એપ્લિકેશન રિજેક્ટ કરવામાં આવી. જેથી મારા યુરોપ ફરવાના પ્લાન પર પાણી ફરી વળ્યું. વિઝા અરજી શા માટે રિજેક્ટ કરી તેનું કોઈ સ્પષ્ટ કારણ આપ્યું નથી. હું ફરીથી અરજી કરીશ અને આશા રાખું છું કે આ વખતે વિઝા મળી જાય જેથી હું ટ્રાવેલ કરી શકું. હોસ્પિટાલિટી સેક્ટરના બિઝનેસમેનની કેનેડાની વિઝા એપ્લિકેશન પણ રિજેક્ટ કરવામાં આવી હતી. તેમણે કહ્યું, “૧૫ જુલાઈએ અમારા દીકરાનું યુનિવર્સિટી કોન્વોકેશન હોવાથી હું અને મારી પત્ની કેનેડા જવાના હતા. પરંતુ અમને વિઝા ના મળતાં અમે ફ્લાઈટ ટિકિટ બુક ના કરાવી શક્યા અને દીકરાના કોન્વોકેશનમાં ના જઈ શક્યા. હું વ્યાપકપણે વિદેશ આવતો-જતો રહું છું અને મારી પાસે યુએઈના વેલિડ વિઝા પણ છે. ઉપરાંત મારી પાસે જર્મનીની ત્રણ વર્ષની વર્ક પરમિટ પણ છે. આજ સુધી ક્યારેય મારા વિઝા રિજેક્ટ નથી થયા. પરંતુ ખબર નહીં આ વખતે કયા કારણે રિજેક્ટ કર્યા.
ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતોનું માનીએ તો, અહીંથી ગત વર્ષે ૪૦ ટકા શેંગેન અને કેનેડાના વિઝાની અરજીઓ રિજેક્ટ થઈ હતી. અમદાવાદની એક ટ્રાવેલ કંપનીના માલિક અંકિત બજાજે કહ્યું, “બધા જ દસ્તાવેજાે આપ્યા હોવા છતાં રિજેક્ટ થતી એપ્લિકેશનની સંખ્યા વધી રહી છે. અવારનવાર ટ્રાવેલ કરતાં વ્યવસાયીઓના વિઝા રિજેક્ટ થવાના પણ કેટલાય કિસ્સા આવ્યા છે. જે લોકો ધંધાના કામે કે પછી ઈવેન્ટ કે કોન્ફરન્સમાં ભાગ લેવા માટે વિઝાની અરજી કરી હોય છે તે પણ રિજેક્ટ થાય છે. રિજેક્શનના લીધે લોકોને બેવડું નુકસાન થાય છે કારણકે રિજેક્શનના કેસમાં વિઝા ફી પણ પાછી નથી મળતી. આ તરફ હજી પણ સૌથી વધુ વિલંબ તો અમેરિકાના વિઝાની અપોઈન્ટમેન્ટ મેળવવામાં જ થાય છે.
“સ્ટુડન્ટ વિઝા સિવાય દરેક કેટેગરીના વિઝાની અપોઈન્ટમેન્ટ મળવામાં મોડું થઈ રહ્યું છે. વિઝા અપોઈન્ટમેન્ટમાં વિલંબના લીધે લોકોના ટ્રાવેલ પ્લાન ફૂસ થઈ રહ્યા છે. વિઝા ના મળતાં હોવાથી ટિકિટ બુક નથી થઈ શકતી અને જાે “મળી જાય તો છેલ્લી ઘડીએ મોંઘા ભાવે ટિકિટો ખરીદવી પડે છે. યુએસમાં થતાં બિઝનેસ એક્ઝિબિશનો કે કોન્ફરન્સમાં ભાગ લેશે કે કેમ તેની પુષ્ટિ પણ નથી કરી શકતાં. આ બધાના લીધે ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી પર વિપરીત અસર પડી રહી છે”, તેમ ટુરિઝમ ડેવલપમેન્ટ સોસાયટીના ચેરમેન મનીષ શર્માએ જણાવ્યું.