PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાઈબાસામાં ચૂંટણી રેલીને સંબોધિત કર્યા બાદ સાંજે 6.45 કલાકે રાંચી એરપોર્ટ પહોંચ્યા હતા. પીએમ મોદી રાંચી એરપોર્ટથી રાજભવન સુધી રોડ શો કરતા જોવા મળ્યા, જેમાં ભાજપના ઉમેદવાર સંજય સેઠને વોટ કરવાની અપીલ કરવામાં આવી. રોડ શોમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાનો જોડાયા હતા.
રાંચી એરપોર્ટથી નીકળ્યા બાદ પીએમ મોદી સૌથી પહેલા બિરસા ચોક પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ અવસરે પીએમ મોદીની સાથે ભાજપના ઉમેદવાર સંજય સેઠ અને વિધાનસભામાં વિપક્ષના નેતા અમર કુમાર પણ હાજર હતા.
ભાજપના કાર્યકરો અને સમર્થકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ફૂલ વરસાવતા જોવા મળ્યા હતા. એસપીજી કમાન્ડો ફૂલોનો વરસાદ રોકવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો દરમિયાન એરપોર્ટથી રાજભવન સુધી ‘મોદી-મોદી’ના નારા ગુંજી ઉઠ્યા હતા. પીએમ મોદી મારવાડી ભવન પાસે પહોંચતા જ ભવ્ય નજારો જોવા મળ્યો હતો. મારવાડી ભવનમાં ભારે ઉત્સાહ સાથે ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. તેમનું આખું વાહન ફૂલોથી ઢંકાઈ જાય એવી રીતે ફૂલોની વર્ષા કરવામાં આવી હતી.