વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે (13 જુલાઈ) ફ્રાન્સ અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના ત્રણ દિવસના પ્રવાસે સત્તાવાર પ્રવાસે જવાના છે. ન્યૂઝ એજન્સી અનુસાર, PM નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે 4 વાગ્યે પેરિસ પહોંચશે. અહીં ઓર્લી એરપોર્ટ પર તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવશે.
ફ્રાન્સમાં યોજાનારી બેસ્ટિલ ડે પરેડમાં પીએમ મોદીને વિશેષ અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. પીએમ મોદી આ મુલાકાતના પ્રથમ તબક્કામાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના આમંત્રણ પર 13 અને 14 જુલાઈએ ફ્રાન્સની મુલાકાત લેશે. મળતી માહિતી મુજબ, પીએમ મોદી ગુરુવારે સાંજે લગભગ 7.30 વાગ્યે સેનેટ પહોંચશે અને સેનેટ પ્રમુખ ગેરાર્ડ લાર્ચરને મળશે.
PM મોદીનું આજે શેડ્યુલ શું છે?
PM નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે 4 વાગ્યે પેરિસ પહોંચશે. સાંજે સેનેટના પ્રમુખને મળ્યા બાદ તેઓ લગભગ નવ વાગ્યે ફ્રાન્સના વડા પ્રધાન એલિઝાબેથ બોર્ન સાથેની બેઠકમાં હાજરી આપશે. PM મોદી લગભગ 11 વાગ્યે લા સીન મ્યુઝિકેલ ખાતે ભારતીય સમુદાયને સંબોધિત કરશે. આ પછી પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન દ્વારા આયોજિત રાત્રિભોજનમાં હાજરી આપવા માટે એલિસી પેલેસ પહોંચશે.