PM Modi :  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સુપ્રીમ કોર્ટની સ્થાપનાના 75 વર્ષની યાદગીરીમાં સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડી. તેમણે સર્વોચ્ચ અદાલત વતી ‘ભારત મંડપમ’ ખાતે યોજાયેલી જિલ્લા ન્યાયતંત્રની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરતી વખતે 75 રૂપિયાનો સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડી હતી.

ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય ન્યાયાધીશ ડૉ. જસ્ટિસ ધનંજય વાય ચંદ્રચુડ, સર્વોચ્ચ અદાલતના અન્ય ન્યાયાધીશો, તમામ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશો, કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અર્જુન રામ મેઘવાલ, એટર્ની જનરલ આર વેંકટરામણી, ઉપસ્થિત રહ્યા હતા. સુપ્રિમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ કપિલ સિબ્બલ, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ મનન કુમાર મિશ્રા ઉપરાંત અનેક વકીલો અને કાયદાના વિદ્યાર્થીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 1 સપ્ટેમ્બરે કોન્ફરન્સમાં સમાપન ભાષણ આપશે અને સુપ્રીમ કોર્ટના ધ્વજ અને પ્રતીકનું અનાવરણ પણ કરશે. આ બે દિવસીય કોન્ફરન્સમાં જિલ્લા ન્યાયતંત્રને લગતા વિષયો પર ચર્ચા કરવામાં આવશે. આ કોન્ફરન્સમાં જિલ્લા ન્યાયતંત્રમાં માળખાકીય સુવિધાઓ અને માનવ સંસાધનો, તમામ માટે સર્વસમાવેશક અદાલતો, ન્યાયિક સુરક્ષા અને ન્યાયિક કલ્યાણ, કેસ મેનેજમેન્ટ અને ન્યાયિક તાલીમ વિશે વિચારણા અને ચર્ચા કરવામાં આવશે.

સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશના માર્ગદર્શન હેઠળ આયોજિત ‘જીલ્લા ન્યાયતંત્ર પરની રાષ્ટ્રીય પરિષદ’માં બે દિવસમાં છ સત્રો યોજાશે. કોન્ફરન્સમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના જિલ્લા ન્યાયતંત્રમાંથી 800 થી વધુ સહભાગીઓ છે.

Share.
Exit mobile version