વનડે વર્લ્ડ કપ ૨૦૨૩નું આયોજન ૫ ઓક્ટોબરથી ભારતમાં થવાનું છે. બીજી તરફ આઈસીસીએ વર્ષ ૨૦૨૪માં યોજાનાર ટી૨૦ વર્લ્ડ કપને લઈને પણ તૈયારી શરુ કરી દીધી છે. જૂન ૨૦૨૪માં યોજાનાર ટી૨૦ વર્લ્ડ કપમાં કુલ ૨૦ ટીમો ભાગ લેશે. આ ઉપરાંત આ ટી૨૦ વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકાની સંયુક્ત યજમાનીમાં યોજાશે. આઈસીસીએ અમેરિકાના ત્રણ શહેરોના નામ ફાઈનલ કરી લીધા છે જ્યાં ટી૨૦ વર્લ્ડ કપની મેચોનું આયોજન કરવામાં આવશે.

આઈસીસીએ અમેરિકાના જે ત્રણ શહેરો પસંદ કર્યા તેમાં ન્યૂયોર્ક ઉપરાંત ફ્લોરિડા અને ડલાસ સામેલ છે. આ પ્રથમ વખત હશે જયારે અમેરિકામાં આટલી મોટી ક્રિકેટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે. ન્યૂયોર્કમાં નાસાઉ કાઉન્ટી, ફ્લોરિડામાં બ્રોવાર્ડ કાઉન્ટી જયારે ડલાસમાં ગ્રાંડ પ્રેયરીમાં મેચ રમાશે. ટી૨૦ વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ ન્યૂયોર્ક શહેરથી ૩૦ માઈલ દૂર ૩૪,૦૦૦ હજારની ક્ષમતા ધરાવતા આઈઝનહોવર પાર્ક સ્ટેડિયમમાં યોજાઈ શકે છે.

અમેરિકાના આ ત્રણ શહેરોના નામોની જાહેરાત કરતા આઈસીસીએ તેના નિવેદનમાં કહ્યું હતું કે, ‘અમેરિકા અમારા માટે એક મહત્વપૂર્ણ બજાર છે અને આ વેન્યુ અમને વિશ્વના સૌથી મોટા સ્પોર્ટ્‌સ માર્કેટમાં પ્રવેશવાની મોટી તક આપે છે. આનાથી અમને ક્રિકેટને આગળ વધારવામાં પણ મદદ મળશે. આનાથી અહીં હાજર ક્રિકેટ ચાહકો ખૂબ જ ખુશ થશે અને તેમને સર્વશ્રેષ્ટ મેચ જાેવાનો મોકો પણ મળશે. અમે ડલાસ અને ફ્લોરિડામાં મેદાનોની ક્ષમતા વધારીશું જેથી વધુને વધુ ક્રિકેટ ચાહકો મેચનો આનંદ માણી શકે.’

Share.
Exit mobile version