વર્લ્ડ કપ ૨૦૨૩ માટે તમામ ટીમોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારત-પાકિસ્તાનની ટીમો એશિયા કપ જેવી મોટી ટુર્નામેન્ટ રમી રહી છે. તે જ સમયે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૩ મેચની ટી૨૦ સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની પ્રથમ મેચ ગઈકાલે ડરબનમાં રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની જીતનો હીરો ભારતીય મૂળનો ઓસ્ટ્રેલિયન ખેલાડી હતો. આ ખેલાડીએ પોતાની ડેબ્યુ મેચમાં જ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.
ઓસ્ટ્રેલિયાની ટીમે સિરીઝની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને ૧૧૧ રને હરાવ્યું હતું. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા યજમાન ટીમને ૨૨૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ પછી આફ્રિકાની ટીમ માત્ર ૧૧૫ રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી તનવીર સંઘાએ સૌથી વધુ વિકેટ લીધી હતી. તનવીર સંઘાનો પંજાબ સાથે ખૂબ જ ખાસ સંબંધ છે.
૨૧ વર્ષીય તનવીર સંઘાનો જન્મ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં થયો હતો. પરંતુ તનવીરના પિતા જાેગા સંઘા ભારતના રહેવાસી છે. તે પંજાબના રહીમપુર ગામના રહેવાસી છે. તેથી આ રીતે તનવીરનું ભારત સાથે ખુબ જ ખાસ કનેક્શન છે. તનવીરના પિતાએ વર્ષ ૧૯૯૭માં ભારત છોડી દીધું હતું, ત્યારથી તેઓ ઓસ્ટ્રેલિયામાં જ રહે છે. તનવીર સંઘા પણ સમયાંતરે ભારત આવતા રહે છે.
ઓસ્ટ્રેલિયાની ટીમના ઘણા ખેલાડીઓ હાલમાં ઈજાગ્રસ્ત છે. આવી સ્થિતિમાં તનવીર સંઘાને દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટી૨૦ મેચમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. આ તકનો ફાયદો ઉઠાવતા તેણે ચાર ઓવરમાં માત્ર ૩૧ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. તેણે એઈડન માર્કરમ, ડેવાલ્ડ બ્રેવિસ, ટ્રીસ્ટન સ્ટબ્સ અને માર્કો જેન્સન જેવા ખેલાડીઓને પોતાનો શિકાર બનાવ્યો હતો. તનવીર સંઘા ભારતમાં યોજાનારા વર્લ્ડ કપમાં રમતા જાેવા મળી શકે છે. તેને વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની ૧૮ સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.