વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થઈ ત્યારથી ખૂબ ચર્ચામાં છે. ક્યારેક ટ્રેન સાથે પશુ અથડાઈ જવાને લીધે તો ક્યારેય વધુ ભાડાને લઈને ચર્ચામાં રહે છે. જે પ્રકારે ટ્રેનનું બ્રાન્ડિંગ કરવામાં આવ્યું હતું એ જાેતાં લાગતું હતું કે, રેલવેમાં ક્રાંતિ થઈ રહી છે. સ્પીડને બાદ કરતાં તમામ રીતે આ ટ્રેન અન્ય ટ્રેનો જેવી જ છે તેમ કહી શકાય. હવે ફરી એકવાર વંદે ભારત એક્સપ્રેસ ચર્ચામાં છે અને તેનું કારણ જાણીને તમને નવાઈ લાગશે. ભોપાલથી દિલ્હી વચ્ચે દોડી રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નંબર ૨૦૧૭૧ સાથે જાેડાયેલો આ કિસ્સો છે. ટ્રેના સી-૮ કોચની સીટ નંબર ૫૭ પર ભોપાલથી ગ્વાલિયર સુધી મુસાફરી કરી રહેલા એક યુવકે પોતાના માટે ભોજન મંગાવ્યું હતું. તેણે ભોજન શરૂ જ કર્યું હતું ત્યાં પરાઠામાં વંદો જાેઈને તે ચકિત થઈ ગયો. તેણે તરત જ આ અંગે ફરિયાદ કરી હતી. ટિ્વટર પર તેણે મીલનો ફોટો શેર કર્યો હતો. જેમાં પરાઠામાં વંદો જાેવા મળી રહ્યો છે. તેણે ટિ્વટ કરતાં લખ્યું, “વંદે ભારત ટ્રેનમાં મારા ભોજનમાંથી વંદો નીકળ્યો છે.
” આ સાથે જ તેણે આઈઆરસીટીસીને પણ ટેગ કર્યું હતું. આઈઆરસીટીસીના ધ્યાને આ વાત આવતાં તેમણે તરત જ પગલા ભર્યા હતા. ગાડીમાં રહેલા હાજર આઈઆરસીટીસીના કર્મચારીએ મુસાફરને ભોજન બદલી આપ્યું હતું. અધિકારીએ ભરેલા પગલાથી યાત્રી સંતુષ્ટ હોય તેવું લાગ્યું હતું. ૨૪ જુલાઈ ૨૦૨૩ના રોજ બનેલી આ ઘટના પર આઈઆરસીટીસીએ ત્વરિત પ્રતિક્રિયા પણ આપી હતી. ટિ્વટર પર તેમણે લખ્યું, “આ ખરાબ અનુભવ બદલ અમે ક્ષમાપ્રાર્થી છીએ. આવી ઘટના ભવિષ્યમાં ના બને તે માટે યોગ્ય પગલા લેવાશે તેવી ખાતરી આપીએ છીએ. તમારો પીએનઆર નંબર અને મોબાઈલ નંબર ડાયરેક્ટ મેસેજ થકી અમને મોકલવા વિનંતી કરીએ છીએ. આ ઘટનામાં આઈઆરસીટીસીએ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવતા લાયસન્સધારક સામે દંડાત્મક કાર્યવાહી કરી છે. ભોજન પૂરું પાડનારા રસોઈયાને ૨૫ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિવાય ભોપાલના જે રસોડામાં ભોજન તૈયાર થયું હતું તેને સાવધાની રાખવાની અને જંતુનાશકોનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત રસોડામાં ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. ભવિષ્યમાં આવી ઘટના ફરી ના બને તે માટે વિવિધ રસોડાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યા છે.