RBI
આગામી નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) રેપો રેટમાં એકંદરે ૭૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરશે તેવી અપેક્ષા મુકાઈ છે. અમેરિકા દ્વારા રેસિપ્રોકલ ટેરિફની વધુ પડતી અસરના કિસ્સામાં રિઝર્વ બેન્ક નાણાં નીતિને કદાચ વધુ હળવી બનાવે તેવી એક રેટિગ એજન્સી દ્વારા શકયતા વ્યકત કરાઈ છે.
દેશમાં વિકાસને ગતિ આપવા એપ્રિલમાં યોજાનારી નવા નાણાં વર્ષની પ્રથમ બેઠકમાં રિઝર્વ બેન્ક રેપો રેટમાં પા ટકાનો ઘટાડો કરશે તેવી ધારણાં છે. વર્તમાન નાણાં વર્ષનો ફુગાવો નબળો પડી ૪.૭૦ ટકા આવવાની પણ એજન્સીએ અંદાજ મૂકયો છે.
આગામી નાણાં વર્ષમાં રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની છ બેઠકો મળનાર છે. પ્રથમ બેઠક ૭-૯ એપ્રિલે મળી રહી છે. આ બેઠકમાં રેપો રેટમાં પા ટકાનો ઘટાડો કરી સંપૂર્ણ નાણાં વર્ષ દરમિયાન કુલ પોણા ટકાનો ઘટાડો આવવાની શકયતા છે.જો કે અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફની દેશના અર્થતંત્ર પર કોઈ મોટી અસર જોવા મળશે તો રિઝર્વ બેન્ક નાણાં નીતિને વધુ હળવી બનાવે તેવી શ કયતા નકારાતી નથી.
ઊંચા ફુગાવાને ધ્યાનમાં રાખી મે ૨૦૨૨થી ફેબુ્રઆરી ૨૦૨૩ના ગાળામાં એકંદર ૨૫૦ બેઝિસ પોઈન્ટ વધારી વ્યાજ દર ૬.૫૦ ટકા કરાયો હતો. ફુગાવો નરમ પડતા વર્તમાન નાણાં વર્ષની ફેબુ્રઆરીમાં યોજાઈ ગયેલી અંતિમ બેઠકમાં રેપો રેટમાં પા ટકાનો ઘટાડો કરાયો હતો.