સુરતનું ઇન્ટરનેશનલ એરપોર્ટ સતત ચર્ચામાં રહ્યું છે કારણ કે શારજહાંથી સુરત આવતી ફ્લાઈટમાં સતત સોનાની દાણચોરી થતી હોવાની ફરિયાદો સાથે અનેક લોકો પકડાયા છે. અત્યાર સુધીમાં કસ્ટમ વિભાગે કરોડો રૂપિયાનું સોનું પણ ઝડપી પાડ્યું છે પરંતુ આ વખતે શારજહાંથી સુરત આવનાર વ્યક્તિ નહીં પણ સુરતથી શારજહાં જતા એક વ્યક્તિની તપાસ કરતા તેની પાસેથી ૧.૧૦ કરોડના રફ હીરા મળી આવ્યા હતાં. જાેકે આ યુવકની પૂછપરછ કરતા આ હીરા તે સુરતથી દુબઈ અને દુબઈથી આફ્રિકા લઈ જતો હોવાની કબુલાત કરતા કસ્ટમ વિભાગે તપાસ શરૂ કરી છે. સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર શારજહાંથી સુરતની ફ્લાઈટ શરૂ થતાની સાથે જ દાણચોરોને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી સુરતમાં સતત દાણચોરીનું સોનુ પકડાવાની ઘટના સામે આવી રહી છે. અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું સોનું ઝડપાઈ ચૂક્યું છે પણ આજની ઘટનાને સાંભળીને ભલભલા અને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા કારણકે સુરતમાં સોનાની જગ્યા પર સુરતથી ૧.૧૦ કરોડના રફ હીરાની દાણચોરી થયા હોવાની વિગતો સામે આવી છે.
સુરતના વરાછા વિસ્તારમાં રહેતો જીગ્નેશ મોરડીયા નામનો યુવક ૪૯૧૦ કેરેટના રફ હીરા લઈ સુરતથી શાહજહાંની ફ્લાઈટમાં જવા નીકળ્યો હતો. જાે કે કસ્ટમ વિભાગે તેને એરપોર્ટ પર જ ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતાં તે હીરા સુરતથી દુબઈ અને દુબઈથી આફ્રિકા મોકલવાનો હતો. જાેકે અત્યાર સુધીમાં દેશ-દુનિયાના તમામ હીરા કટ અને પોલિશિંગ માટે સુરત આવતા હોય છે. ખાસ કરીને દુબઈ અને આફ્રિકાથી રફ હીરા સુરત આવતા હોય છે ત્યારે આ વખતે રફ હીરા સુરતથી શાહજહાં મારફતે દુબઈ મોકલવાને લઈને હવે કસ્ટમ વિભાગ પણ એક સમય માટે વિચારમાં પડી ગયું હતું. જાે કે આ યુવકની અટકાયત કરી તેની પૂછપરછ શરૂ કરવામાં આવી ત્યારે કહી શકાય કે કસ્ટમ ચોરીનો અજીબ કિસ્સો સામે આવતા અધિકારીઓએ પણ માથું ખંજવાળવાનો વારો આવ્યો હતો. જણાવી દઇએ કે, ડાયમંડ સિટી સુરતના હીરા ઉદ્યોગને કારણે ઘણાં સમય પહેલાં શારજહાંની એક ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી. આ ફ્લાઇટ જાણે દાણચોરો માટે આશિર્વાદરૂપ બની હોય તેવા કિસ્સા દર અઠવાડિયે સામે આવતા હોય છે.