cricket : ભારતીય ક્રિકેટના દિગ્ગજ શિખર ધવને ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ અને ક્રિકેટ પ્રેમીઓને આ વિશે જાણ કરી હતી. ક્રિકેટ જગતમાં ‘ગબ્બર’ તરીકે ઓળખાતો શિખર ધવન ઘણા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર હતો. તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશ સામે રમાઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી તે ટીમ ઈન્ડિયાની બહાર હતો.
ધવનના આ નિર્ણયથી ચાહકો નિરાશ થયા છે.
શિખર ધવને પહેલા જ નિવૃત્તિનો સંકેત આપી દીધો હતો. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં તેણે પોતાના ખરાબ ફોર્મનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે ટીમ ઈન્ડિયામાંથી તેની હકાલપટ્ટીનું કારણ આ જ હતું. ધવનના આ નિર્ણયથી તેના ચાહકોને ખૂબ જ દુઃખ થયું છે, કારણ કે તેઓને આશા હતી કે ધવન જલ્દી ટીમમાં પરત ફરશે.
કેવી રહી શિખર ધવનની કારકિર્દી?
શિખર ધવનની ક્રિકેટ કારકિર્દી ખૂબ જ શાનદાર રહી છે. તેણે ભારતીય ટીમ માટે 34 ટેસ્ટ, 167 ODI અને 68 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 2315 રન, ODIમાં 6793 રન અને T20માં 1759 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 190 રન હતો, જ્યારે ODI ક્રિકેટમાં તેણે 143 રનની શાનદાર ઇનિંગ રમી હતી. T20 ક્રિકેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 92 રન છે. ધવનની આ નિવૃત્તિ સાથે ભારતીય ક્રિકેટ વધુ એક દિગ્ગજ ગુમાવી રહ્યું છે. તેના ચાહકો અને ક્રિકેટ પ્રેમીઓ આ મોટા નિર્ણયથી નિરાશ છે, પરંતુ ધવનની શાનદાર કારકિર્દી માટે દરેકના મનમાં આદર અને પ્રશંસાની લાગણી છે.