ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના જાગોશ ગામમાં યમુના નદીની વચ્ચે ઈન્ડિયન ઓઈલ કંપનીની ગેસ પાઈપલાઈન અચાનક બ્લાસ્ટ થઈ હતી જેના સમાચાર વાયુવેગે ફેલાતા જ વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. આ ગેસ પાઈપલાઈનમાં બ્લાસ્ટ થતા પાણીના ફૂવારા ઉછળ્યા હતા. યમુનામાંથી પસાર થતી પાણીપત-દાદરી ગેસ પાઈપલાઈન સવારે ૩ વાગ્યે અચાનક વિસ્ફોટ સાથે ધડાકાભેર બ્લાસ્ટ થઈને તુટી ગઈ હતી. આ ઘટનાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ, સિંચાઈ વિભાગ અને જિલ્લાના તમામ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ગાઝિયાબાદના જિલ્લા મેજિસ્ટ્રેટની સૂચના બાદ હાલ માટે ગેસનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. જાે કે હાલ આ ઘટનાથી કોઈ નુકસાન થયું નથી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારના લોકોને એલર્ટ કર્યા છે. આ સાથે ગેસ કંપનીના લોકોને પણ માહિતી આપવામાં આવી છે. વીડિયોમાં પાઈપલાઈનમાં ભંગાણ થયા બાદ પાણીનો ઉંચો ફુવારો ઉછળતો જાેઈ શકાય છે. આ અચાનક ગેસ બ્લાસ્ટ થવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ એવું માનવામાં આવે છે કે યમુનામાં પાણીના ઝડપી પ્રવાહમાં પથ્થર અથડાવાને કારણે પાઇપલાઇનમાં બ્લાસ્ટ થયો હોવાની સંભાવના સેવાઈ રહી છે.

ગેસ પાઈપલાઈનમાં બ્લાસ્ટ થયા બાદ યમુના નદીમાં પાણીનો ઉછાળો જાેવા માટે ગ્રામજનોની ભીડ ઉમટી પડી હતી. યમુના નદીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં પાણીના ઊંચા મોજા ઉછળતા જાેઈ શકાય છે. નદીની વચ્ચોવચ ગેસ પાઈપલાઈન બ્લાસ્ટ થતા ચારેબાજુ ભયનો માહોલ સર્જાયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી યમુના, ગંગા, શારદા સહિતની ઘણી નદીઓ ખતરાના નિશાનની નજીક વહી રહી છે. આ ઉપરાંત હિંડોન નદીનું પાણી પણ ઘણી જગ્યાએ ખતરાના નિશાનની નજીક છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી ગયા છે.

Share.
Exit mobile version