આજે વહેલી સવારે ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી ઓલરાઉન્ડર હીથ સ્ટ્રીકનું ૪૯ વર્ષની વયે અવસાન થયું હોવાના બિનસત્તાવાર સમાચાર ફેલાયા હતા, જેને કારણે ક્રિકેટ જગતમાં સોંપો પડી ગયો હતો. હીથ સ્ટ્રીક લાંબા સમયથી કોલોન અને લીવર કેન્સરથી પીડિત અને સારવાર હેઠળ હોવાથી લોકોને આ વાત સાચી પણ લાગી હતી. હીથ સ્ટ્રીકનું કેન્સર ચોથા સ્ટેજ પર પહોંચી ગયું હતું.જેના કારણે તેમની હાલત ઘણા સમયથી નાજુક હતી. ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ઝડપી બોલર, હેનરી ઓલોંગાએ જઅગાઉ ટિ્વટર પર સ્ટ્રીકના નિધનના સમાચાર શેર કર્યા હતા. દેશવિદેશના અનેક ક્રિકેટરોએ સોશિયલ મીડિયા માધ્યમથી તેમને શ્રદ્ધાંજલિ આપવા માંડ્યા હતા. જાેકે, હવે એવા સત્તાવાર સમાચાર આવ્યા છે કે હીથ સ્ટ્રીકની સારવાર હેઠળ જ છે. તેમનું નિધન નથી થયું. હેનરી ઓલોંગાએ પણ તેમના નિધનની કરેલી ટિ્વટ ડિલીટ કરી દીધી છે અને નવી ટિ્વટ કરીને હીથ સ્ટ્રીક જીવિત હોવાના સમાચાર આપ્યા છે.
નોંધનીય છે કે મે મહિનામાં હીથ સ્ટ્રીકની તબિયત બગડી હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હીથ સ્ટ્રીકની સારવાર દક્ષિણ આફ્રિકાની એક હોસ્પિટલમાં ચાલી રહી હતી. આ માહિતી ઝિમ્બાબ્વેના સ્વાસ્થ્ય પ્રધાને આપી હતી. આ દરમિયાન સ્વાસ્થ્ય પ્રધાને એમ પણ કહ્યું હતું કે તેમની તબિયત સારી નથી.
હીથ સ્ટ્રીકે વર્ષ ૧૯૯૩માં પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેણે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે તેની પ્રથમ વનડે રમી હતી. ડિસેમ્બર ૧૯૯૩માં હીથ સ્ટ્રીકે પાકિસ્તાન સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. હીથ સ્ટ્રીકે તેમની છેલ્લી વનડે ઓગસ્ટ ૨૦૦૫માં ન્યુઝીલેન્ડ સામે રમી હતી. તેમણે છેલ્લી ટેસ્ટ મેચ પણ વર્ષ ૨૦૦૫માં જ ભારત સામે જ રમી હતી. હીથ સ્ટ્રીકે કુલ ૬૫ ટેસ્ટ અને ૧૮૯ વનડેમાં ઝિમ્બાબ્વેનું નેતૃત્વ કર્યું છે. સ્ટ્રીકે ટેસ્ટ ક્રિકેટમાં ૧૯૯૦ અને વનડેમાં ૨૯૪૩ રન બનાવ્યા છે. તેમણે ટેસ્ટ મેચોમાં એક સદી અને ૧૧ અડધી સદી ફટકારી છે. હીથ સ્ટ્રીકના નામે વનડેમાં ૧૩ અડધી સદી છે. હીથ સ્ટ્રીકે ટેસ્ટ ક્રિકેટમાં ૨૧૬ અને વનડેક્રિકેટમાં ૨૩૯ વિકેટ લીધી છે. હીથ સ્ટ્રીક ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટ રાઈડર્સના કોચ પણ રહી ચૂક્યા છે.