રેલવેમાં રોજ બનતા અવનવા અકસ્માત પૈકી તાજેતરમાં બિહારના બરૌનીથી નવી દિલ્હી રવાના થયેલી સ્પેશિયલ ટ્રેન ત્રણેક કિલોમીટર સુધી ખોટી દિશામાં જવાને કારણે રેલવે(ઈસીઆર) તંત્રમાં દોડાદોડી થઈ ગઈ હતી. લોકો પાઇલટને ભૂલ સમજાતાં મોટી હોનારત ટળી ગઈ નહિ તો ઓડિશા જેવા અકસ્માતનું પુનરાવર્તન થયું હોત, એમ અધિકારીએ જણાવ્યું હતું. આ અંગે અધિકારીએ જણાવ્યું હતું કે સોમવારે મુઝફ્ફરપુર સ્ટેશનથી નર્કટિયાગંજ ડાઈવર્ટ કરેલી ટ્રેનને હાજીપુર રેલ લાઈનમાં સિગ્નલ આપ્યું હતું. જાેકે આ બાબતની જાણ લૉકો પાઇલટ અને ગાર્ડને થયા પછી ઇમરજન્સી બ્રેક મારીને ટ્રેનને મુઝફ્ફરપુર પાછી લાવ્યા હતા. સોમવારે આ બનાવ પૂર્વ મધ્ય રેલવે(ઈસીઆર) ઝોનમાં બન્યો હતો. બરૌની જંક્શન (ટ્રેન નંબર-૦૨૫૬૩) વિશેષ ટ્રેન (લગભગ ૧૧૮૨ કિલોમીટરનું અંતર કાપવા માટે)થી નવી દિલ્હી જઈ રહી હતી. બરૌની જંક્શન પર ૭ઃ૪૦ વાગ્યે સિગ્નલ આપ્યું હતું અને ટ્રેન તેના નિર્ધારિત સમયે ૯ઃ૩૦ વાગ્યે મુઝફ્ફરપુર સ્ટેશન પર પહોંચી હતી, ત્યાર બાદ ડાયવર્ટ રૂટ મોતિહારી થઈને જવાનો હતો,
પરંતુ ઓપરેશન વિભાગે આ ટ્રેનને હાજીપુર રૂટ માટે સિગ્નલ આપ્યું હતું. આ પછી ટ્રેન આ ખોટા રૂટ પર જવા લાગી ત્યારે હકીકતની જાણ થતાં ઓપરેશન, સિગ્નલ અને ટેલિકોમ સહિત અન્ય વિભાગના અધિકારીઓ હરકતમાં આવી ગયા હતા.આ બનાવમાં કોઈને જાનહાનિ થઈ નહોતી પણ ટ્રેન સેવા પર અસર થઈ હતી. ટ્રેનના લૉકો પાઇલટને જાણ થઈ ન હોત તો મોટો અકસ્માત સર્જાયો હોત. આ અગાઉ ઓડિશામાં સિગ્નલ ખોટું આપવાને કારણે ત્રણ ટ્રેનનો અકસ્માત થયો હતો અને અકસ્માતમાં સેંકોડો લોકોનાં મોત અને હજારોને ઇજા પહોંચી હતી.