Arvind Kejriwal : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ અફવાઓ ઉભી થઈ રહી છે કે તેમના દ્વારા શરૂ કરવામાં આવેલી દિલ્હી સરકારની કલ્યાણકારી યોજનાઓ અને સબસિડી બંધ થઈ જશે. હવે દિલ્હી સરકારના આયોજન વિભાગના સચિવ નિહારિકા રાયે પોતે આ અંગે લેખિત આદેશ જારી કર્યો છે. આ આદેશમાં તેમણે કહ્યું છે કે દિલ્હી સરકારની કલ્યાણકારી યોજનાઓ અને સબસિડી આ જ રીતે ચાલુ રહેશે.
તેમણે કહ્યું કે, કેટલાક બદમાશો અને અસામાજિક તત્વો અફવા ફેલાવી રહ્યા છે કે મુખ્યમંત્રીની ધરપકડથી દિલ્હી સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ અને સબસિડી બંધ થઈ જશે. તેમણે પોતાના આદેશમાં કહ્યું કે, કાયદો પોતાનું કામ કરતો રહેશે. આયોજન અને શાસન કોઈપણ વ્યક્તિ પર આધારિત નથી અને તે હંમેશની જેમ ચાલુ રહેશે.
આ સાથે તેમણે દિલ્હીના તમામ નાગરિકોને અફવા ફેલાવનારા લોકોથી દૂર રહેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, આ લોકો મુખ્યમંત્રીની ધરપકડ અંગે ભ્રમ ફેલાવીને ફાયદો ઉઠાવવા માંગે છે.
AAP નેતાઓએ વડાપ્રધાનના આવાસનો ઘેરાવ કર્યો હતો.
તમને જણાવી દઈએ કે કેજરીવાલની ધરપકડના વિરોધમાં AAPના નેતાઓ આજે વડાપ્રધાન આવાસનો ઘેરાવ કરી રહ્યા છે. જેના કારણે AAPના અનેક નેતાઓને પોલીસે કસ્ટડીમાં લીધા છે. એટલું જ નહીં પોલીસ દ્વારા વડાપ્રધાનના આવાસની આસપાસના વિસ્તારમાં સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક મેટ્રો સ્ટેશન પર એન્ટ્રી અને એક્ઝિટ પણ બંધ કરી દેવામાં આવી છે.