સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવનાર નેપાળ દક્ષિણ એશિયાનો પ્રથમ દેશ બન્યો છે. નેપાળમાં પ્રથમ ગે કપલે તેમના લગ્નની નોંધણી પણ કરાવી છે. નેપાળની સર્વોચ્ચ અદાલતે અગાઉ આ અંગે પોતાનો ચુકાદો આપ્યો હતો. નેપાળે તેના પ્રથમ સમલૈંગિક લગ્નને સર્વોચ્ચ અદાલત દ્વારા કાયદેસર બનાવવામાં આવ્યાના પાંચ મહિના પછી ૨૯ નવેમ્બરે સત્તાવાર રીતે તેની નોંધણી કરી હતી. ૩૫ વર્ષીય ટ્રાન્સ વુમન માયા ગુરૂંગ અને ૨૭ વર્ષીય ગે પુરૂષ સુરેન્દ્ર પાંડેએ પશ્ચિમ નેપાળના લામજુંગ જિલ્લાની દોર્ડી ગ્રામીણ નગરપાલિકામાં કાયદેસર રીતે લગ્ન કર્યા હતા. આ માહિતી બ્લુ ડાયમંડ સોસાયટી નેપાળના પ્રમુખ સંજીબ ગુરુંગ (પિંકી)એ આપી હતી.
૨૦૦૭માં નેપાળની સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્નને મંજૂરી આપી હતી. ૨૦૧૫માં નેપાળના બંધારણમાં આ સંબંધમાં સુધારો કરવામાં આવ્યો હતો. બંધારણમાં જાતિના આધારે ભેદભાવ પર પ્રતિબંધ છે. ૨૭ જૂન, ૨૦૨૩ ના રોજ, સુપ્રીમ કોર્ટે નેપાળમાં સમલૈંગિક લગ્નને સત્તાવાર રીતે કાયદેસર બનાવવા માટે ગુરુંગ સહિતના વ્યક્તિઓની આગેવાની હેઠળની રિટ પિટિશનના આધારે વચગાળાનો આદેશ જારી કર્યો હતો. આ અભૂતપૂર્વ ર્નિણય હોવા છતાં, કાઠમંડુ ડિસ્ટ્રિક્ટ કોર્ટે જરૂરી કાયદાકીય માળખાની ગેરહાજરીને ટાંકીને ચાર મહિના પહેલા આ પગલાને નકારી કાઢ્યું હતું. તે સમયે સુરેન્દ્ર પાંડે અને માયાની લગ્નની અરજી ફગાવી દેવામાં આવી હતી.
પિંકીએ કહ્યું કે તે સમલૈંગિક લગ્નની માન્યતાથી ખૂબ જ ખુશ છે. તેમણે કહ્યું, “નેપાળના તૃતીય લિંગના સમુદાય માટે આ એક મોટી ઉપલબ્ધિ છે. માત્ર નેપાળમાં જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ એશિયામાં આ પહેલો કેસ છે. અમે ર્નિણયનું સ્વાગત કરીએ છીએ.”
નવલપારાસી જિલ્લાના વતની સુરેન્દ્ર અને મૂળ લામજુંગ જિલ્લાની માયાએ તેમના પરિવારની સંમતિથી પરંપરાગત લગ્ન કર્યા હતા. તેઓ છેલ્લા છ વર્ષથી પરિણીત યુગલ તરીકે રહે છે. પિંકીએ કહ્યું હતું કે, ‘ઘણા તૃતીય લિંગના યુગલો તેમની ઓળખ અને અધિકારો વિના જીવે છે. તેમને કાનૂની માન્યતા આપવાથી તેમને ઘણી મદદ મળશે. હવે આ સમુદાયના અન્ય લોકો માટે તેમના લગ્નને કાયદેસર બનાવવા માટે દરવાજા ખુલી ગયા છે.’