દેશમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે હવે ગુજરાતમાં સરકાર સામે વધુ એક આંદોલનના ભણકારા વાગી રહ્યા છે. આ આંદોલન બીજા કોઈ નહીં પરંતુ રાજ્ય સરકારના જ સરકારી કર્મચારી કરવા જઈ રહ્યા છે. રાજ્ય સરકારની સરકારી શાળાઓના શિક્ષકોએ પોતાની વિવિધ માંગણીઓને લઈને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ગાંધી જયંતીના દિવસે શિક્ષકોના રાજ્યવ્યાપી આંદોનનની જાહેરાત કરી છે. સરકારે કરેલા વાયદાઓ મુદ્દે ઠરાવ પસાર ન થતાં હવે શિક્ષકો સરકાર સામે લડી લેવાના મૂડમાં જાેવા મળી રહ્યા છે.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે જૂની પેન્શન યોજના, NPS સહિતના મુદ્દે આંદોલનની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મહામંત્રી પરેશ પટેલે જણાવ્યું છે કે, ગાંધી જયંતિના દિવસે ગાંધીજીની પ્રતિમાની સફાઈ, પ્રતિમાની આજુબાજુ પરિસરમાં સાફ સફાઈ કરવામાં આવશે. જે બાદ ગાંધીજીને સૂતરની આંટી પહેરાવીને આ આંદોલનની શરૂઆત કરવામાં આવશે. તેઓએ જણાવ્યું કે, ૩ ઓક્ટોબરથી ૭ ઓક્ટોબર સુધીમાં શિક્ષકો દ્વારા રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યોને આવેદન પત્ર આપીને પોતાની માંગ રજૂ કરાશે. સાંસદો અને ધારાસભ્યોના માધ્યમથી અમારી માંગ મુખ્યમંત્રી સુધી પહોંચાડવાનું અમારું આયોજન છે. ૭ ઓક્ટોબર સુધીમાં પ્રશ્નો નહીં ઉકેલાય તો રેલી અને ધરણાની ચીમકી પણ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. શિક્ષકોની મુખ્ય ત્રણ માંગણીઓ

– ગુજરાતના તમામ શિક્ષક કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવો.
– અગાઉ સમાધાન અનુસાર, કેન્દ્ર સરકારની જેમ ૨૦૦૫ પહેલાં નિમણૂંક પામેલ શિક્ષક કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા
તથા તેને આનુષાંગિક કાર્યવાહી કરવી.
– કેન્દ્ર સરકારની જેમ શિક્ષક કર્મચારીઓના એન.પી.એસ. ૧૦% કપાતની સામે સરકારનો ૧૪% ફાળો કપાત કરવા ઠરાવ કરવો.

Share.
Exit mobile version