૪૦ વર્ષીય ચંદ્રિકા સિધ્ધપરાનું રાજકોટ ભાવનગર હાઇવે પર આવેલ તુલસી હોટલ પાસે રોડ અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનું બનાવ સામે આવ્યો છે. ગાય આડી ઉતરતા મૃતકના પતિ મનુ સિદ્ધપરા દ્વારા મોટર સાયકલ પર કાબુ ગુમાવવામાં આવતા દંપતી મોટરસાયકલ સહિત રોડ પર પટકાયું હતું. જેના કારણે પત્ની ચંદ્રિકા સિધ્ધપરાને માથાના પાછળના ભાગમાં ગંભીર ઇજા પહોંચતા તેનું મૃત્યુ હોવાનું સામે આવ્યું છે. તો સાથે જ પતિ મનું સિધ્ધપરાને ડાબા હાથમાં ફ્રેકચર જેવી ઈજા પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે મૃતકના ભાઈ રમેશ ભેસાણીયા (ઉવ.૪૦) દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે બનેવી મનુ સિદ્ધપરા વિરુદ્ધ ipc ૩૦૪a, ૨૭૯, ૩૩૭, ૩૩૮ તેમજ મોટર વ્હિકલ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી છે.
દંપતી રવિવારના રોજ રાજકોટથી જંગવડ જતા હતા. તે દરમિયાન ગાય આડી ઉતરતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. દંપતીને ઇજા પહોંચતા તાત્કાલિક અસરથી આટકોટ ખાતેની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના હાજર તબીબે ચંદ્રિકા સિધ્ધપરાને મરણ ગયેલા જાહેર કર્યા હતા. પોલીસ તપાસ દરમિયાન સંતાનમાં એક પુત્ર અને પુત્રી હોવાનું સામે આવ્યું છે. જ્યારે કે, બીજા બનાવમાં ૬૮ વર્ષીય ભારતી પંડ્યાનું રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા તરઘડીયા ગામ પાસે રોડ અકસ્માતમાં મોત નીપજ્યુ છે. રવિવારના રોજ બપોરના સવા બે વાગ્યાના અરસામાં આ અકસ્માત સર્જાયાનું સામે આવ્યુ છે. અમદાવાદના હાર્દિક જાેશી પોતાની કારમાં અમદાવાદથી રાજકોટ આવી રહ્યા હતા. તે સમયે તેના માસી ભારતી પંડ્યા જીજ્ઞા રાજગુરુ અને ભારતીબેનનો દીકરો દિવ્ય ઉર્ફે બોની પંડ્યા કારમાં સવાર હતા. તે દરમિયાન ડંપર ચાલક દ્વારા હાઇવે રોડ પર કોઈપણ જાતના ટ્રાફિકને લગતા ચિન્હ કે પાર્કિંગ લાઈટ ચાલુ રાખ્યા વગર ઉભો રાખવામાં આવ્યો હતો.
જેના કારણે ડમ્પર પાછળ કાર ભટકાતા ફરિયાદીને નાક તેમજ ખભા અને પાંસળીના ભાગે ફ્રેક્ચર જેવી ઈજા પહોંચી છે. જ્યારે કે માસી જિજ્ઞા રાજગુરુ તથા દિવ્ય ઉર્ફે બનીને નાની મોટી ઇજા પહોંચી છે. પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, તરઘડિયા ગામ ઉપર આવેલા ઓવર બ્રિજ પર પોતે ટ્રકને ઓવરટેક કરતા હતા. ત્યારે જમણી સાઈડના ભાગે ડમ્પર ઊભું હતું તેની સાથે કાર અથડાતા સમગ્ર અકસ્માત સર્જાયો છે. રાજકોટ શહેરની ખાનગી હોસ્પિટલમાં કેથલેબમાં ફરજ બજાવનારા ૪૫ વર્ષીય કમલેશ મકવાણા નામના વ્યક્તિનું હૃદય રોગના હુમલાના કારણે રવિવારના રોજ સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં યુનિવર્સિટી રોડ પર મોત નીપજ્યું હોવાનો બનાવો સામે આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ મથક ખાતે સીઆરપીસી ૧૭૪ મુજબ અકસ્માત મોત રજીસ્ટર્ડ કરવામાં આવી છે. મૃતક પોતાના મિત્ર સાથે ટુ વ્હીલર પર ફરવા માટે નીકળ્યા હતા. જે દરમિયાન તેમને અચાનક જ ચક્કર આવતા તેમને વાહન ઉભું રાખ્યું હતું. ત્યારે જાેત જાેતામાં તેઓ રસ્તા પર ઢળી પડ્યા હતા. બેભાન હાલતમાં સારવાર અર્થે તાત્કાલિક અસરથી તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.