Trump

અમેરિકા દ્વારા સ્ટીલ તથા એેલ્યુમિનિયમ પર ટેરિફ લાગુ કરવાના અમેરિકાના નિર્ણયથી ભારતના સ્ટીલ ઉદ્યોગ પર ખાસ અસર જોવા નહીં પડે એમ સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે.  અમેરિકા ખાતે ભારતની સ્ટીલ નિકાસ સામાન્ય હોવાથી આપણને બહુ માર નહીં પડે એવી સરકાર દ્વારા સ્પષ્ટતા કરાઈ છે.

નવી દિલ્હી ખાતે એક કાર્યક્રમમાં બોલતા સ્ટીલ મંત્રાલયના સચિવ સંદીપ પુંડરિકે જણાવ્યું હતું કે, અમેરિકામાં ભારતની સ્ટીલ નિકાસ વાર્ષિક એક લાખ ટનથી પણ ઓછી થાય છે.

ગયા વર્ષે દેશનું સ્ટીલ ઉત્પાદન ૧૪.૫૦ કરોડ ટન રહ્યું હતું. આમ ઉત્પાદન આંકની સરખામણીએ નિકાસ માત્રા ઘણી જ જુજ છે. ભારતની પોતાની સ્ટીલ માર્કેટ મજબૂત છે અને અહીં સ્ટીલનો મોટો વપરાશ થતો હોવાથી સ્ટીલ ઉદ્યોગ પર ટેરિફની મોટી અસર જોવા નહીં મળે એમ તેમણે ઉમેર્યું હતું.

સ્ટીલ તથા એલ્યુમિનિયમની અમેરિકામાં આયાત પર ૨૫ ટકા ડયૂટી લાગુ કરવામાં આવી છે. વૈશ્વિક વેપારને નવો આકાર આપવાના પ્રયાસના ભાગરૂપ ટ્રમ્પ દ્વારા ઊંચી ટેરિફ લાગુ કરવામાં આવી છે.

વિદેશની કંપનીઓ અમેરિકામાં રોકાણ કરે તેવી પણ ટ્રમ્પની યોજના છે.ભારત વિશ્વમાં બીજો મોટો પ્રાઈમરી એલ્યુમિનિયમ ઉત્પાદક દેશ છે અને માર્ચ, ૨૦૨૪ના અંતે સમાપ્ત થયેલા વર્ષમાં અમેરિકા ખાતે બે લાખ ટન એલ્યુમિનિયમ નિકાસ કરાયું હતું.

 

Share.
Exit mobile version