Union Budget 2024: વડાપ્રધાન મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2024-25 રજૂ કરતી વખતે પ્રધાનમંત્રી મુદ્રા યોજના માટે વિશેષ જાહેરાત કરી છે. ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયે MSME ને તણાવમુક્ત રાખવા અને બેંક લોન ચાલુ રાખવા માટે એક નવી વ્યવસ્થા જાહેર કરી છે.
નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન મુદ્રા લોનની મર્યાદા વધારી છે. મુદ્રા લોનની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે.
શું છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના?
બેરોજગારોને રોજગાર સાથે જોડવા માટે સરકાર દરરોજ નવી નવી યોજનાઓ અમલમાં મૂકતી રહે છે. જે લોકો બિઝનેસ કરવા માગે છે તેમના માટે સરકાર દ્વારા લોન સ્કીમ શરૂ કરવામાં આવી છે, જેમાં 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. કેટલાક દસ્તાવેજોની પૂર્તિ સાથે તમે સરકાર દ્વારા આપવામાં આવેલી લોન સરળતાથી મેળવી શકો છો. કેન્દ્ર સરકારની PM મુદ્રા લોન યોજના 2024 હેઠળ, રસ ધરાવતા લોકોને ₹50,000 થી ₹10 લાખ સુધીની લોન આપવામાં આવશે.