Vodafone Idea:ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર વોડાફોન આઈડિયા (VI) ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઈક્વિટી અને ઈક્વિટી-સંબંધિત સાધનો દ્વારા રૂ. 20,000 કરોડ સુધીનું ભંડોળ એકત્ર કરવાની મંજૂરી આપી હતી જેમાં કંપનીના પ્રમોટરો પણ સામેલ થશે. આ સાથે વોડાફોન આઈડિયાએ કહ્યું કે ઈક્વિટી અને ડેટના મિશ્રણ દ્વારા લગભગ રૂ. 45,000 કરોડનું ભંડોળ એકત્ર કરવાની યોજના બનાવવામાં આવી છે.
ગંભીર નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલી આ કંપની હાલમાં પોતાનું અસ્તિત્વ બચાવવા માટે સંઘર્ષ કરી રહી છે. તેના પર લગભગ રૂ. 2.1 લાખ કરોડનું જંગી દેવું છે અને ગ્રાહકોની સંખ્યામાં સતત ઘટાડા વચ્ચે તે ત્રિમાસિક નુકસાનનો પણ સામનો કરી રહી છે.
20,000 કરોડ સુધીનું ભંડોળ એકત્ર કરવાની મંજૂરી
ટેલિકોમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઇક્વિટી અથવા ઇક્વિટી સંબંધિત સાધનોના મિશ્રણ દ્વારા રૂ. 20,000 કરોડ સુધીનું ભંડોળ એકત્ર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ માટે, મેનેજમેન્ટને બેંકર્સ અને સલાહકારોની નિમણૂક કરવા માટે પણ અધિકૃત કરવામાં આવ્યા છે. કંપની 2 એપ્રિલે તેના શેરધારકોની બેઠકમાં આ પ્રસ્તાવ પર મંજૂરી માંગશે. તે આગામી ક્વાર્ટરમાં ઇક્વિટી ફંડ એકત્ર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની અપેક્ષા રાખે છે. ઇક્વિટી વધારવાની પ્રક્રિયામાં પ્રમોટર્સ પણ ભાગ લેશે.
વોડાફોન આઇડિયાએ જણાવ્યું હતું કે ઇક્વિટી ફંડ એકત્ર કર્યા પછી, તે ડેટ ફંડિંગ માટે તેના ધિરાણકર્તાઓ સાથે સક્રિયપણે કામ કરશે. કંપની ઇક્વિટી અને ડેટના સંયોજન દ્વારા આશરે રૂ. 45,000 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. વોડાફોન આઈડિયાએ કહ્યું કે તેની બેંક લોન હાલમાં 4,500 કરોડ રૂપિયાથી ઓછી છે.