ICC વનડે વર્લ્ડકપ ૨૦૨૩ શરુ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ભારત અને પાકિસ્તાનના ફેન્સ ૧૪ ઓક્ટોબરે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત અને પાકિસ્તાનના મુકાબલાની રાહ જાેઈ રહ્યા છે. પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ભારત આવવા માટે વિઝા પણ મંજૂર થઇ ચુક્યા છે અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ વર્લ્ડકપ માટે ૨૭ સપ્ટેમ્બરે હૈદરાબાદ ખાતે આવી પહોંચશે.

જણાવી દઈએ કે, એશિયા કપ ૨૦૨૩માં સુપર ફોરની છેલ્લી મેચમાં ભારતીય ક્રિકેટ ટીએમએ બાબર આઝમની કેપ્ટ્‌નશીપ હેઠળની પાકિસ્તાનની ક્રિકેટ ટીમને ૨૨૮ રને હરાવી હતી, પરિણામે પાકિસ્તાનની ટીમ એશિયા કપમાંથી ભાર ફેંકાઈ ગઈ હતી. ત્યારે હવે આગામી મેચમાં પાકિસ્તાન ભારત સામે ફરીથી ટકરાવા જઈ રહ્યું છે, જેને લઈને તેમના પણ ખૂબ દબાણ હોઈ શકે છે. ત્યારે પકિસ્તાનના ફાસ્ટ બોલર હારિસ રઉફનું નિવેદન સામે આવ્યું છે. તેણે કહ્યું છે કે, આ માત્ર ક્રિકેટની વધુ એક મેચ છે, કોઈ યુદ્ધ નથી.
વર્લ્ડકપમાં ભાગ લેવા માટે પાકિસ્તાનની ટીમ ભારત રવાના થાય તે પહેલાં પત્રકાર પરિષદ દરમિયાન હારીસ રઉફને સવાલ પુછાયો હતો કે, ભારતીય ટીમ સામેની મેચોમાં પાકિસ્તાનની ટીમમાં આક્રમકતા કેમ જાેવા મળતી નથી. ત્યારે હારીસ રઉફે પત્રકારને આડે હાથે લીધો હતો અને કહ્યું હતું કે, અમે લોકો ભારત સામે ક્રિકેટ મેચ રમવા જઈ રહ્યા છીએ, નહીં કે યુદ્ધ લડવા.

હારીસ રઉફની ફિટનેસ પર પણ સવાલ ઉઠ્‌યા હતા. જેના જવાબમાં રઉફે કહ્યું હતું કે, વર્લ્ડકપમાં પોતાની બધી જ તાકાત લગાવી દેશે. જણાવી દઈએ કે એશિયા કપની ભારત સામેની પાકિસ્તાનની સુપર ફોર મેચમાં હારીસ રઉફને ખભા પર ઇજા થઇ હતી, જેના કારણે તે રિઝર્વ ડેના દિવસે મેચ નહોતો રમી શક્યો. પરિણામે શ્રીલંકા સામેની છેલ્લી મેચમાં તેને પાકિસ્તાનની ટીમમાંથી બહાર બેસાડાયો હતો અને પાકિસ્તાન ૨ વિકેટે મેચ હારી ગયું હતું.

હારીસ રઉફે ફિટનેસ અંગે જવાબ આપતા કહ્યું હતું કે, “પોતાના દેશ માટે કોઈપણ ટુર્નામેન્ટમાં રમવું એ મોટી વાત છે. હાલ મારી ફિટનેસ પહેલાં કરતાં વધુ સારી છે. એક ટીમ તરીકે અમને પોતાના પાર વિશ્વાસ છે. ટીમ મેનેજમેન્ટ નક્કી કરશે કે મારે નવા બોલથી બોલિંગ કરવી કે જૂના બોલથી.” વધુમાં તેણે કહ્યું કે, “મેં વર્લ્ડકપ માટે કોઈ ખાસ ગોલ નક્કી નથી કર્યો. આવા સમયે વ્યક્તિગત પ્રદર્શન કરતાં ટીમના પરફોર્મન્સ પર વધુ ધ્યાન આપવું જરૂરી છે.”

પાકિસ્તાની સ્ટ્રાઇક બોલર નસીમ શાહ ઇજાના કારણે વર્લ્ડ કપ ૨૦૨૩માંથી બહાર થતાં આ મામલો પાકિસ્તાન માટે ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે નસીમ શાહને બદલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હસન અલીને ટીમમાં સ્થાન આપ્યું છે. જણાવી દઈએ કે, હસન અલીએ ગત વર્ષે મુલતાનમાં વેસ્ટઈન્ડિઝ સામે પોતાની છેલ્લી વનડે મેચ રમી હતી.

Share.
Exit mobile version