Windfall tax:1લી માર્ચથી ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સમાં વધુ એક વધારાની જાહેરાત કરવામાં આવી છે. એક મહિનામાં આ ત્રીજી વખત છે જ્યારે ક્રૂડ પર ટેક્સ વધારવામાં આવ્યો છે. જો કે બીજી તરફ ડીઝલ પર ગત વખતે લાદવામાં આવેલો ટેક્સ માર્ચની શરૂઆતમાં પાછો ખેંચી લેવામાં આવ્યો છે. ATF અને પેટ્રોલ પર ઝીરો વિન્ડફોલ રેટ લાગુ રહેશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા વધારાને કારણે ક્રૂડ ઓઈલ પર ટેક્સમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં, કાચા તેલ લાંબા સમયથી પ્રતિ બેરલ $ 80 ના સ્તરથી ઉપર છે.
સરકાર દ્વારા જારી કરાયેલા નિર્દેશો અનુસાર ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ 3300 રૂપિયા પ્રતિ ટનથી વધારીને 4600 રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યો છે, એટલે કે કિંમતમાં 1300 રૂપિયા પ્રતિ ટનનો વધારો કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરીના મધ્યમાં યોજાયેલી છેલ્લી સમીક્ષામાં ડીઝલ પર લાદવામાં આવેલો 1.5 રૂપિયા પ્રતિ લીટરનો ટેક્સ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. હવે ડીઝલ પર ટેક્સ રેટ શૂન્ય પર આવી ગયો છે. એટીએફ અને પેટ્રોલના દર શૂન્ય પર યથાવત છે.
આ પહેલા ફેબ્રુઆરીમાં સરકારે ક્રૂડની કિંમતમાં બે વખત પ્રતિ ટન 1800 રૂપિયાનો વધારો કર્યો હતો. ફેબ્રુઆરીના મધ્યમાં તેમાં 100 રૂપિયા પ્રતિ ટન અને ફેબ્રુઆરીની શરૂઆતમાં 1700 રૂપિયા પ્રતિ ટનનો વધારો કરવામાં આવ્યો હતો, એટલે કે 3 વખત ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સ 3100 રૂપિયા પ્રતિ ટન વધ્યો છે.
વિન્ડફોલ ટેક્સ શું છે?
ભારતમાં પહેલીવાર 1 જુલાઈ, 2022થી વિન્ડફોલ ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો. ઉદ્યોગ પર વિન્ડફોલ ટેક્સ એવી સ્થિતિમાં લાદવામાં આવે છે કે જ્યાં કંપનીઓને અચાનક વધારે નફો મળે છે. વિન્ડફોલ ટેક્સ સામાન્ય કર દરો કરતાં વધુ અને ઉપર છે. ઘરેલુ પુરવઠાને અસર ન થાય તે માટે પણ આ ટેક્સ લાદવામાં આવ્યો છે.