Mutual Fund
એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા અને ક્રીસીલ દ્વારા રજુ થયેલ અહેવાલ દર્શાવે છે કે પુરૂષોની તુલનાએ મહિલાઓ દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં થતું રોકાણ વધુ છે. મહિલા રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ્સમાં વ્યક્તિગત રોકાણકારોની સંપત્તિનો એક તૃતીયાંશ હિસ્સો ધરાવે છે જ્યારે વ્યક્તિગત રોકાણકારોમાં તેમનો હિસ્સો એક ક્વાર્ટર છે.
એયુએમ પર આધારિત સહભાગિતા દર સામાન્ય રોકાણકાર-આધારિત સહભાગિતા દર કરતા વધારે છે. જે દર્શાવે છે કે મહિલાઓ પુરૂષો કરતાં વધુ રકમનું રોકાણ કરે છે.
છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં મ્યુચ્યુઅલ ફંડમાં મહિલા રોકાણકારોનો રસ વધ્યો છે. અભ્યાસ મુજબ, માર્ચ ૨૦૧૯માં મહિલા રોકાણકારોની અસ્કયામતો અંડર મેનેજમેન્ટ (એયુએમ) રૂ. ૪.૫૯ લાખ કરોડ હતી, જે માર્ચ ૨૦૨૪માં બમણી થઈને રૂ. ૧૧.૨૫ લાખ કરોડ થઈ હતી. અભ્યાસમાં મહિલા રોકાણકારોની એયુએમમાં તીવ્ર વધારો ઉદ્યોગ પહેલ અને જાગૃતિ કાર્યક્રમોને આભારી છે.
૧૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કિસ્સામાં એયુએમમાં મહિલાઓની ભાગીદારી ૩૩ ટકાથી વધુ છે. તેમાં મિઝોરમ, નાગાલેન્ડ, આંદામાન-નિકોબાર ટાપુઓ, સિક્કિમ, ગોવા, નવી દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર, મેઘાલય, ચંદીગઢ, મધ્યપ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.
દેશના ટોચના ૩૦ શહેરોમાંથી મહિલાઓનો હિસ્સો કુલ મહિલા સંબંધિત એયુએમમાં લગભગ ત્રણ-ચતુર્થાંશ છે. ગ્રામીણ વિસ્તારોમાંથી પણ મહિલાઓનો હિસ્સો સતત વધી રહ્યો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટોચના ૩૦ શહેરોમાં કુલ એયુએમમાં મહિલા રોકાણકારોનો મોટો હિસ્સો છે (માર્ચ ૨૦૨૪માં ૭૪.૮ ટકા). તેમાં મહિલાઓનો હિસ્સો માર્ચ ૨૦૧૯માં ૨૦.૧ ટકાથી વધીને માર્ચ ૨૦૨૪માં ૨૫.૨ ટકા થયો છે, જે નાના શહેરોમાં મહિલાઓમાં ભંડોળની પહોંચમાં વધારો ઔદર્શાવે છે.
એયુએમમાં યુવા મહિલાઓનો હિસ્સો ટોચના કરતાં નાના શહેરોમાં વધારે છે. નાના શહેરોમાં એયુએમમાં ૩૫ વર્ષથી ઓછી વયની મહિલાઓનો હિસ્સો ૧૫.૧ ટકા છે, જે ટોચના શહેરો કરતાં ઘણો વધારે છે. અભ્યાસ મુજબ, આ તફાવત સૂચવે છે કે નાના શહેરોની યુવા મહિલાઓ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં વધુ સક્રિય છે.