બ્રિટનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીંના બીજા સૌથી મોટા શહેર બર્મિંઘમે દેવાળું ફૂંક્યું છે. બર્મિંઘમ સિટીના કાઉન્સિલે પોતે આ વાત કબૂલી છે. મંગળવારે તેમણે સેક્શન ૧૧૪ની નોટિસ જાહેર કરી હતી. જે મુજબ, શહેરમાં આવશ્યક સેવાઓને બાદ કરતાં બધા જ ખર્ચા ઉપર તાત્કાલિક ધોરણે રોક લગાવવામાં આવી છે. બ્રિટનના બીજા સૌથી મોટા શહેર બર્મિંઘમે કુલ ૯૫૪ મિલિયન ડોલરનું સમાન વેતન આપવાનો દાવો કર્યો હતો અને હવે પોતાને દેવાળિયું જાહેર કરતાં તમામ નકામા ખર્ચ બંધ કર્યા છે. સિટી કાઉન્સિલે જાહેર કરેલી નોટિસમાં આ પાછળનું કારણ આપતાં જણાવ્યું કે, સમાન વેતનના દાવાના ખર્ચના કારણે વર્તમાનમાં આ નકારાત્મક આર્થિક સ્થિતિ ઊભી થઈ છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો, બર્મિંઘમ સિટી કાઉન્સિલ પાસે જેટલા પણ આર્થિક સંસાધનો છે તે ખૂબ જલ્દી ખર્ચ થઈ ગયા. આ જ કારણે શહેરે નાદારી જાહેર કરતાં જરૂરી સેવાઓને છોડીને બધા જ ખર્ચા ઉપર નિયંત્રણ મૂકવાની જાહેરાત કરી છે. બર્મિંઘમ સિટી કાઉન્સિલ તરફથી જાહેર કરવામાં આવેલી નોટિસમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, નવા સમાન વેતન દાવાઓનો સંભવિત ખર્ચ ૬૫૦ મિલિયન પાઉન્ડ (લગભગ ૮૧૬ મિલિયન ડોલર) અને ૭૬૦ મિલિયન પાઉન્ડ (૯૫૪ મિલિયન ડોલર)ની વચ્ચે રહેશે.

કાઉન્સિલ પાસે આ ખર્ચને પહોંચી વળવા માટે પૂરતા સંસાધનો નથી. નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં શહેરને હવે ૮૭ મિલિયન પાઉન્ડ (૧૦૯ મિલિયન અમેરિકન ડોલર)નું નુકસાન થવાનો અંદાજાે છે. એક ન્યૂઝ રિપોર્ટ અનુસાર, બર્મિંઘમ સિટી કાઉન્સિલ ૧૦ લાખથી વધુ લોકોને સેવા આપે છે. બ્રિટનના આ મલ્ટીકલ્ચર શહેરે ગત વર્ષે કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી હતી. હવે શહેરની આર્થિક હાલતે સૌને ચોંકાવી દીધા છે. આ વર્ષે જૂન ૨૦૨૩માં સમાન વેતનના દાવાને પહોંચી વળવા માટે ૭૬૦ મિલિયન પાઉન્ડ સુધીનો ખર્ચ કરવાની વાત સામે આવી હતી. જે બાદ સિટી કાઉન્સિલે કહ્યું હતું કે, સરકાર સાથે આ મુદ્દાને લઈને વાતચીત થઈ રહી છે. ભારતીય મૂળના બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે બર્મિંઘમ સિટીની નાદારીના અહેવાલો પર પ્રથમ પ્રતિક્રિયા આપી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, ઋષિ સુનકે આ હાલત માટે લેબર એડમિનિસ્ટ્રેશનને જવાબદાર ગણાવ્યું છે. વડાપ્રધાનના પ્રવક્તા મેક્સ બ્લેને આ મામલે કહ્યું કે, બર્મિંઘમના લોકો માટે ચિંતાજનક સ્થિતિ છે. સરકારે પહેલા જ કાઉન્સિલ માટે બજેટના લગભગ ૧૦ ટકા વધુ આર્થિક સહાય પૂરી પાડી હતી. પરંતુ સ્થાનિક રૂપે તો ચૂંટાઈ આવેલા કાઉન્સિલોના હાથમાં છે કે, તેઓ પોતાના બજેટને કઈ રીતે વાપરે છે.

Share.

Leave A Reply

Exit mobile version