અવકાશની અનંત ઊંડાણોમાંથી એસ્ટરોઇડના નમૂનાઓ વહન કરતી નાસાની પ્રથમ અવકાશ કેપ્સ્યુલ ૭ વર્ષની મુસાફરી પૂર્ણ કર્યા પછી રવિવારે (૨૪ સપ્ટેમ્બર ૨૦૨૩) ના રોજ ઉટાહના રણમાં ઉતરી હતી. OSIRIS-REx અવકાશયાન પૃથ્વીની નજીકથી પસાર થતાં ૬૩,૦૦૦ માઇલ (૧૦૦,૦૦૦ કિલોમીટર) ના અંતરેથી કેપ્સ્યુલ છોડ્યું. લગભગ ચાર કલાક પછી, કેપ્સ્યુલ પેરાશૂટ દ્વારા આર્મીના ઉટાહ ટેસ્ટ અને ટ્રેનિંગ રેન્જમાં ઉતરી. આ અવકાશયાન લગભગ ૬૪૩ કરોડ કિલોમીટરનું અંતર કાપીને પૃથ્વી પર પરત ફર્યું છે.

વિજ્ઞાનીઓ બેનુ નામના કાર્બન-સમૃદ્ધ એસ્ટરોઇડમાંથી ઓછામાં ઓછો એક કપ કાટમાળ શોધવાની અપેક્ષા રાખે છે. જાે કે જ્યાં સુધી કન્ટેનર ખોલવામાં ન આવે ત્યાં સુધી તેમાંથી મળી આવેલી સામગ્રી વિશે ચોક્કસ કહી શકાય નહીં.

એસ્ટરોઇડના નમૂનાઓ પાછા લાવવા માટેનો એકમાત્ર દેશ જાપાન બે એસ્ટરોઇડ મિશનમાંથી માત્ર એક ચમચી કાટમાળ એકત્રિત કરી શક્યો. જાેકે આ કેપ્સ્યુલમાં તે એસ્ટરોઇડની માટીનો નમૂનો છે, જે ૨૪ સપ્ટેમ્બર ૨૧૮૨ના રોજ એટલે કે ૧૫૯ વર્ષ પછી પૃથ્વી સાથે ટકરાઈ શકે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે જાે આ એસ્ટરોઇડ પૃથ્વી સાથે ટકરાશે તો તે ૨૨ પરમાણુ બોમ્બના વિસ્ફોટ જેટલી તબાહી સર્જશે. રવિવારે આવેલા એસ્ટરોઇડ સેમ્પલનો અભ્યાસ વૈજ્ઞાનિકોને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે કે ૪.૫ અબજ વર્ષ પહેલાં આપણા સૌરમંડળની શરૂઆતમાં પૃથ્વી અને જીવનનો આકાર કેવી રીતે બન્યો. OSIRIS-REx અવકાશયાન ૨૦૧૬ માં તેનું મિશન શરૂ કર્યું અને બેનુ નામના એસ્ટરોઇડનો સંપર્ક કર્યો અને ૨૦૨૦ માં નમૂનાઓ એકત્રિત કર્યા. આ નમૂનાઓને સોમવારે હ્યુસ્ટનમાં નાસાના જાેન્સન સ્પેસ સેન્ટરમાં લઈ જવામાં આવશે.

Share.

Leave A Reply

Exit mobile version