ઈઝરાયેલ પ્રત્યે ઈરાનને કેટલી નફરત છે તેનુ એક ઉદાહરણ સામે આવ્યુ છે અને તેના કારણે રમત જગત ચોંકી ઉઠ્‌યુ છે.
મળતી વિગતો પ્રમાણે પોલેન્ડમાં યોજાયેલી વર્લ્ડ માસ્ટર્સ ચેમ્પિયનશિપમાં ઈરાનના વેઈટ લિફ્ટર મુસ્તફા રાજાઈએ પોડિયમ પર ઉભેલા ઈઝરાયેલના ખેલાડી મક્સિમ સ્વેર્સ્કી સાથે હાથ મિલાવ્યો હતો અને તેના કારણે ઈરાનની સરકારનો રોષ ભભૂકી ઉઠ્‌યો હતો. ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે હવે મુસ્તફા રાજાઈ પર આજીવન પ્રતિબંધ લગાવી દેવાયો છે.
દેશના કોઈ પણ સ્ટેડિયમમાં તેને હવે પ્રવેશ નહીં મળે. સાથે સાથે પોલેન્ડમાં યોજાયેલી સ્પર્ધામાં ગયેલા ઈરાનના પ્રતિનિધિમંડળના પ્રમુખ હામિદ સાલેહિનિયાની પણ હકાલપટ્ટી કરવામાં આવી છે. ઈઝરાયેલ અને ઈરાનને બાપે માર્યા વેર છે.

ઈરાને પોતાના તમામ ખેલાડીઓને ઈઝરાયેલના ખેલાડીઓ સાથે વાત કરવા પર પ્રતિબંધ લગાવેલો છે. રાજાઈ ઈરાનની નેશનલ ટીમના પૂર્વ સભ્ય છે. તેણે થાઈલેન્ડમાં ૨૦૧૫માં યોજાયેલી એશિયન વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં પોતાના દેશનુ પ્રતિનિધિત્વ કર્યુ હતુ. ૨૦૨૧માં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા ખામેનેઈએ પોતાના ખેલાડીઓને ખાસ અપીલ કરી હતી કે, મેડલ મેળવ્યા બાદ પણ ઈઝરાયેલના ખેલાડીઓ સાથે ભૂલે ચુકે હાથ ના મિલાવતા. આ મુદ્દા પર તો ઈરાનના જાણીતા ચેસ પ્લેયર અલીરેજા ફિરોઝાએ દેશ છોડીને ફ્રાંસની નાગરિકતા લઈ લીધી હતી. કારણકે ઈરાનના સ્પોર્ટસ ફેડરેશને ૨૦૧૯માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ફિરોઝા પર ભાગ લેવા પર બેન મુકયો હતો. કારણકે ઈરાનને ડર હતો કે ફિરોઝાનો સામનો ઈઝરાયેલના પ્લેયર સાથે થઈ શકે છે.

Share.

Leave A Reply

Exit mobile version