તાજેતરમાં કેનેડામાં દેશવિદેશના સ્ટુડન્ટની સંખ્યા એટલી બધી વધી ગઈ છે કે હાઉસિંગની કટોકટી પેદા થઈ છે. તમામ મોટી કોલેજાે અને યુનિવર્સિટીઓ સાથે હોસ્ટેલ સંકળાયેલી હોય છે, પરંતુ અત્યારે હોસ્ટેલમાં પણ કોઈને રૂમ નથી મળતા. તેના કારણે ભારતીય સ્ટુડન્ટ્‌સની હાલત કફોડી થઈ છે. આના કારણે જ તાજેતરમાં કેનેડાએ જાહેરાત કરવી પડી હતી કે તે વિદેશી સ્ટુડન્ટની સંખ્યા પર લિમિટ મુકવાનું વિચારે છે. હાયર એજ્યુકેશન માટે કેનેડા ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ સંકટમાં હોવાનું જાણવા મળ્યું છે. એક અહેવાલ પ્રમાણે ઓન્ટારિયોમાં ભણતા સ્ટુડન્ટ્‌સે તેમની યુનિવર્સિટીઓને સબસિડીના દરે રહેઠાણ પૂરું પાડવા માટે જણાવ્યું છે કારણ કે તેઓ જંગી ભાડું આપી શકે તેમ નથી. આ સ્ટુડન્ટ્‌સ કેનેડોર કોલેજ અને નિપિસિંગ યુનિવર્સિટીમાં એનરોલ થયેલા છે. સપ્ટેમ્બર ૨૦૨૩માં એડમિશન લેનારા સ્ટુડન્ટ્‌સનું કહેવું છે કે તેમણે પોતાની કોલેજ કે યુનિવર્સિટીને પહેલાથી જણાવી દીધું છે કે તેમના માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવે. કેટલાક વિદ્યાર્થીઓએ કહ્યું કે તેમને પહેલાં તો વચન આપવામાં આવ્યું હતું કે તેમને રહેવાની વ્યવસ્થા મળી રહેશે. પરંતુ તેઓ જ્યારે કેનેડા પહોંચ્યા ત્યારે ઓથોરિટીએ જણાવ્યું કે રૂમ પહેલેથી બૂક છે અને તેમણે રોજના ૧૪૦થી ૨૦૦ ડોલરનો ખર્ચ કરીને મોટેલમાં રહેવું પડશે. ભારતના વિદ્યાર્થીઓ એવી મુશ્કેલીમાં પડી ગયા છે કે તેઓ બધી જગ્યાએ મદદ માંગી રહ્યા છે. કારણ કે મોટેલમાં રહેવાનું કોઈને પોસાય તેમ નથી.

કેનેડામાં ભારતીયોના પ્રતિનિધિઓ આ મુદ્દે સરકારને રજુઆત કરી રહ્યા છે, પરંતુ થોડા દિવસોની અંદર આ સમસ્યા ઉકેલાય તેમ લાગતું નથી. કેનેડામાં સ્ટુડન્ટની સંખ્યા દર વર્ષે લાખોના પ્રમાણમાં વધતી જાય છે, પરંતુ તે મુજબ આવાસની સગવડ નથી. ૨૦૨૨માં કેનેડામાં લગભગ આઠ લાખ સ્ટુડન્ટ હતા જેમના વિઝા એક્ટિવ હતા. ૨૦૧૨માં અહીં ૨.૭૫ લાખ વિદ્યાર્થીઓ હતા. એટલે કે ૧૦ વર્ષની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા અઢી ગણી થઈ ગઈ છે. કેનેડાએ જ્યારથી ઓપન વર્ક પરમિટ મેળવવાનું આસાન બનાવ્યું છે ત્યારથી અહીં વિદ્યાર્થીઓની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે. ચાલુ વર્ષમાં કેનેડામાં વિદેશી સ્ટુડન્ટની સંખ્યાનો નવો રેકોર્ડ બનવાની શક્યતા છે. એક અંદાજ પ્રમાણે કેનેડામાં આ વર્ષે ૯ લાખથી વધારે વિદેશી સ્ટુડન્ટ ભણવા આવી જશે. કેનેડામાં સ્ટુડન્ટના આગમનના કારણે હાઉસિંગની કોસ્ટ એટલી વધી ગઈ છે કે સરકાર પણ ચોંકી ગઈ છે. તેના કારણે હવે વિદેશી સ્ટુડન્ટના આગમન પર એક લિમિટ મુકવા વિચારણા ચાલે છે જેની સૌથી વધુ અસર ભારતીય સ્ટુડન્ટ્‌સ પર પડશે. કેટલાક સંગઠનોએ માગણી કરી છે કે વિદ્યાર્થીઓને કોલેજના બીજા કેમ્પસમાં શિફ્ટ કરવા જાેઈએ અથવા જે યુનિવર્સિટીમાં રહેવાની સગવડ હોય ત્યાં લઈ જવા જાેઈએ. ઓન્ટારિયોમાં હાલમાં હાઉસિંગની સમસ્યા સૌથી વધુ વિકટ હોવાનું ભારતીય વિદ્યાર્થીઓ જણાવે છે.

Share.

Leave A Reply

Exit mobile version